કેશોદમાં ઘરકંકાશનો કરૂણ અંજામઃ પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

કેશોદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો. આપઘાત પહેલા પતિએ વીડિયો બનાવી પત્નીની હત્યાની કબૂલાત કરી હતી, જે બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 11:27 PM (IST)Updated: Wed, 19 Aug 2026 11:27 PM (IST)
junagadh-news-husband-commits-suicide-on-railway-track-after-killed-wife-in-keshod

Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પત્નીની હત્યા કર્યા બાદ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો કરૂણ અંજામ આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પતિએ આપઘાત કરતા પહેલા મોબાઈલમાં વીડિયો મૂકી પત્નીની હત્યાની કબૂલાત કરી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગીરીશ બાલશ (27) નામના યુવકે આજે વેરાવળ-બાન્દ્રા ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં મૃતદેહનો કબજો લીધો હતો.

પોલીસે મૃતકની ઓળખ માટે તેના મોબાઈલની તપાસ કરી, ત્યારે તેમાં એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવકે એક વીડિયોમાં પોતાની ઓળખ ગીરીશ બાલશ તરીકે આપવા સાથે પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ વીડિયો સંદર્ભે રેલવે પોલીસ દ્વારા કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે કેશોદ પોલીસ તાત્કાલિક સુમન સોસાયટી સ્થિત ગિરીશના ઘરે પહોંચી હતી, જ્યાં તપાસ કરતાં તેની પત્ની વિજ્યા ઉર્ફે વિપુલા બાલશનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

આ ડબલ મોતની ઘટનાની જાણ થતાં જ વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ DySp હિતેશ ધાધલીયા, મામલતદાર મહેતા, પીઆઈ ચૌધરી અને પીએસઆઈ વાજા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ગીરીશભાઈ બાલશ મૂળ કેશોદના શેરગઢ ગામના વતની હતા અને તેઓ કેશોદ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હતા. ગીરીશભાઈ અને વિજયાબેન ઉર્ફે વિપુલાબેનનું લગ્નજીવન માત્ર ચાર વર્ષનું જ હતું. ગિરીશ અને વિપુલા વચ્ચે ચાલતા ઘરકંકાસને કારણે જ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.