Bhavnagar Hooch Tragedy: ડુપ્લિકેટ દારૂના મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે ગુનો દાખલ, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 5 લોકોના મોત અને 16 હોસ્પિટલમાં દાખલ થયા છે. મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે ગુનો નોંધાયો અને 4 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 09:44 PM (IST)Updated: Wed, 19 Aug 2026 09:44 PM (IST)
bhavnagar-hooch-tragedy-21-bootleggers-booked-under-prohibition-act-4-cops-suspended

નરેન્દ્ર આહીર, Bhavnagar Hooch Tragedy: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, પરંતુ તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો અને બુટલેગરો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય છે.

તાજેતરમાં ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ દારૂ પીવાથી 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 16 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એવામાં આ મામલે વરતેજ પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ નકલી દારૂકાંડ મામલે સમગ્ર મામલે રેન્જ આઇ.જીએ માહિતી આપતા જણાવ્યું કે, આ મામલે જે કોઈ જવાબદાર હશે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં બનાવટી રોયલ સ્ટેગ દારૂની બોટલો સપ્લાય કરનારા મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે.

આ મામલે વરતેજ પોલીસ મથકના PIએ ડુપ્લિકેટ દારૂના સપ્લાયલ ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ સત્તાવાર ગુનો નોંધ્યો છે. જ્યારે અત્યાર સુધી 12 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરતેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

આ સમગ્ર મામલે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ફરજમાં બેદરકારી દાખવવા બદલ અને પોતાના વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવામાં નિષ્ફળ રહેવા બદલ વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા આ 4 કર્મચારીઓમાં એક બીટ જમાદારનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 3 કર્મચારીઓ ડી-સ્ટાફના જવાનો છે.

રાજ્યમાં અગાઉ નકલી દારૂ કે લઠ્ઠાકાંડના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હોવાના બનાવો બની ચૂક્યા છે, જેને પગલે સરકાર અને પોલીસ તંત્ર નકલી દારૂના કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. ભાવનગરનો આ કિસ્સો પણ એ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે.

હાલ વરતેજ પોલીસ દ્વારા ગુનો નોંધ્યા બાદ ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન અને દરોડા પાડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.