Bhavnagar Hooch Tragedy: ધોલેરામાં સપ્લાય થયેલી 'રોયલ સ્ટેગ'ની બે પેટી જપ્ત, અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં દારૂના 177 કેસ નોંધ્યા

ભાવનગરના ખરકડી ગામમાં નકલી 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી પાંચ લોકોના મોત થયા છે અને 20 સારવાર હેઠળ છે. ગૃહરાજ્ય મંત્રીએ તપાસ SMCને સોંપી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 177 દારૂ કેસ નોંધી મુખ્ય આરોપી ઉજ્જૈનના રઈસને શોધી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 09:17 PM (IST)Updated: Wed, 19 Aug 2026 09:17 PM (IST)
bhavnagar-hooch-tragedy-5-dead-177-cases-filed-by-ahmedabad-rural-police

Bhavnagar Hooch Tragedy: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની બનાવટી વિદેશી શરાબ પીવાના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આસપાસના 5 ગામના 20 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા મોડી રાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને મોડી રાતથી જ સઘન ચેકિંગ હાથ ધર્યું છે.


અમદાવાદ રુરલ પોલીસે એક જ રાતમાં દારૂને લગતા 177 કેસ નોંધતા બુટલેગરોમાં ફફડાટ

બુટલેગરો દ્વારા બનાવટી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રસ્તેથી ભાવનગર સુધી લાવવામાં આવ્યો હોવાની આશંકાના પગલે પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ભાવનગરના બુટલેગરે ધોલેરાના બુટલેગરને બે પેટી દારૂ આપ્યો હોવાનું માલૂમ પડતા પોલીસે બન્ને પેટીઓ રિકવર કરી હતી.

આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસના 800 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ગઈકાલે મોડી રાતથી સવારે 8 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં દારૂને લગતા 177 પોલીસ કેસ નોંધતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આટલું જ નહીં, દારૂની હેરાફેરી અટકાવવા માટે ગામ્ય પોલીસના અધિકારીઓ દ્વારા અમદાવાદની આસપાસના 500થી વધુ ગામોના સરપંચો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.

નકલી દારૂની 28 પેટીઓ પૈકી 15 જપ્ત કરાઈ

પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઉજ્જૈનનો રઈસ નામનો વ્યક્તિ છે. તેના દ્વારા જ મિથાઈલના વધુ પ્રમાણવાળી દારૂની 28 જેટલી પેટીઓ બનાવીને મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં 15 પેટીઓ જપ્ત કરી દેવામાં આવી છે. જ્યારે બાકીની 13 પેટીઓ જપ્ત કરવા માટે ભાવનગર પોલીસની અલગ-અલગ ટીમો સઘન તપાસ કરી રહી છે.