Junagadh: અંધશ્રદ્ધાળું સાસરિયાઓનો પરિણીતા પર અત્યાચાર, પિરિયડ સમયે દુખાવો ઉપડતાં ડોક્ટરની જગ્યાએ ભુવા પાસે લઈ જવાઈ

ભુવાએ કમર પર દોરો બાંધી આપીને કહ્યું કે, 'હવે તારે તારી માતાના ઘરે નથી જવાનું'. જે બાદ સાસરીમાં પતિએ મારકૂટ કરીને ધમકીઓ આપીને ઘરેથી કાઢી મૂકી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 05:11 PM (IST)Updated: Sun, 14 Dec 2025 05:11 PM (IST)
junagadh-news-dowry-harassment-superstitious-in-laws-tortured-their-daughter-in-law
HIGHLIGHTS
  • વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતી યુવતીના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
  • જયા પાર્વતીના વ્રતના ઉજાગરા બાદ યુવતી બીમાર પડી ગઈ

Junagadh: જૂનાગઢમાં અંધશ્રદ્ધાળું સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિદ્યા સહાયક તરીકે નોકરી કરતી 32 વર્ષીય મહિલા હાલ પોતાના નાના સાથે રહે છે. આજથી 3 વર્ષ અગાઉ મહિલાના લગ્ન સમાજના જ યુવક સાથે થયા હતા.

લગ્નના 6 મહિના સુધી તો બન્નેનું સંસાર સુખરૂપ ચાલ્યો હતો. જે બાદ સાસરિયા ઘરકામ તેમજ કરિયાવર બાબતે મહેણા-ટોણા મારવા લાગ્યા હતા. લગ્ન બાદ પરિણીતાએ જયા પાર્વતીનું વ્રત કર્યું હતુ. જેના જાગરણના ઉજાગરા હોવાથી મહિલા બીમાર પડી ગઈ હતી. આ સમયે મહિલાને પિરિયડ આવતા તેના પતિ સહિતના સાસરિયા દવાખાને ડોક્ટર પાસે સારવાર કરાવવાની જગ્યાએ તેને ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ કમરમાં દોરો બાંધીને કહ્યું હતું કે, હવે તારે તારી માતાના ઘરે જવાનું નથી.

જે બાદ પરિણીતાને સાસરીમાં લાવવામાં આવી હતી. જો કે પતિ અને નણંદ સહિતના સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપીને મારકૂટ કરવા લાગ્યા હતા. જે બાદ ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. હાલ તો મહિલા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તેના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.