Kutch: નાના વરનોરા ગામમાં દંપતી વચ્ચે ખેલાયો ખૂની ખેલ, માથે ખૂન સવાર થતાં પતિએ ગળું કાપી પત્નીની લાશ કૂવામાં ફેંકી

કુલસુમ મમણ ગુમ થઈ જતાં શોધખોળ કરી રહેલા પરિવારને વાડીમાં લોહીના ડાઘ દેખાયા. આથી નજીકના કૂવામાં નજર કરતાં દીકરીની લાશ તરતી દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 04:50 PM (IST)Updated: Sun, 14 Dec 2025 04:50 PM (IST)
kutch-news-husband-killed-wife-over-extramarital-affair
HIGHLIGHTS
  • આડસબંધની શંકામાં દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી
  • માધાપર પોલીસે હત્યારા પતિની અટકાયત કરી

Kutch: કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના નાના વરનોરા ગામમાં આડાસબંધની શંકામાં દંપતી વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિના માથે ખૂન સવાર થતાં તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળું કાપીને તેની લાશ વાડીમાં આવેલા કૂવામાં ફેંકી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભુજ તાલુકાના નાના વરનોરા ગામની સીમમાં પોતાના પતિ સાથે રહેતી કુલસુમ મમણ (19) અચાનક ગુમ થઈ ગઈ હતી. જેથી પરિવારજનો તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વાડીમાં આવેલા કૂવા નજીક લોહીના ડાઘ દેખાતા પરિવારના સભ્યોએ કૂવામાં નજર કરી હતી.

જ્યાં કૂવામાં કુલસુમના લાશ તરતી જોવા મળતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી ભુજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવામાંથી દોરડા વડે કુલસુમની લાશને બહાર કાઢી તો, તેનું માથું અને ધડ અલગ હતા. જે બાદ માધાપર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં કુલસુમની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પતિ મોહસિને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મોહસિનને અન્ય કોઈ સ્ત્રી સાથે આડાસબંધ હોવા બાબતે દંપતી વચ્ચે શુક્રવારે રાતે માથાકૂટ થઈ હતી. જેથી આવેશમાં આવીને મોહસિને જ પત્નીનું ગળું કાપીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેની લાશ કૂવામાં નાંખી દીધી હતી. હાલ તો પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.