Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી-માણાવદર હાઈવે પર ડમ્પર, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દંપતીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
સ્વજનના બેસણામાંથી ઘરે પરત ફરતા દંપતીને કાળનો ભેટો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચંદુભાઈ ધોણીયા (63) અને તેમના પત્ની મનિષાબેન (60) સાતલપુર ગામે રહેતા તેમના સ્વજનના બેસણામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વંથલી-માણાવદર હાઈવે પર તેમના બાઈક, ડમ્પર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતુ. જેમાં ગંભીર ઈજા થતા બન્નેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 3 લોકોને ઈજા પહોંચી છે.
આ અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ 108ની મદદથી સ્થાનિકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી ત્રણેય વાહનો વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
