જેતપુરમાં સગા ભત્રીજા સાથે આડા સબંધનો અંજામઃ ભત્રીજીઓએ ગળે ટૂંપો આપી ફોઈને મોતને ઘાટ ઉતારી દીધી

જેતપુરમાં થોડા દિવસો પહેલા મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. આડા સંબંધોના કારણે ભત્રીજીઓએ જ પોતાની ફોઈની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે 90 CCTV ફૂટેજ તપાસી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે પહેલા ઝેર આપવાનો પ્રયાસ કર્યો અને પછી દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 10:52 PM (IST)Updated: Sat, 14 Nov 2026 10:52 PM (IST)
rajkot-news-aunt-murdered-over-illicit-affair-with-nephew-nieces-strangled-her-to-death-in-jetpur

Rajkot: જેતપુરમાં થોડા દિવસો પહેલા મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આડા સંબંધોનો ખાર રાખીને સગી ભત્રીજીઓએ જ પોતાની ફોઈની ક્રૂર હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

90 જેટલા CCTV ચેક કર્યા, જેમાં એક ફૂટેજમાં શંકાસ્પદ રિક્ષા દેખાઈ

ગત 11 નવેમ્બરના રોજ નવાગઢ રોડ પરથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેતપુર સિટી પોલીસે લાશને રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જેના રિપોર્ટમાં મહિલાને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતુ. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ હકુબેન પરમાર તરીકે થઈ હતી. પોલીસે 90 જેટલા CCTV ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં એક શંકાસ્પદ રિક્ષામાં ચાર જણા જોવા મળતા પોલીસે બાતમીદારોને એક્ટિવ કર્યા હતા.

ફોઈને સગા ભત્રીજા સાથે આડાસબંધો હોવાથી ઘરમાં ઝઘડા થતાં

હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક હકુબેનને તેમના જ સગાભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સબંધો હતો. જે રવિની બહેનો રાધા અને મધુને પસંદ નહતા. આ આડાસબંધોને લઈને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આખરે ભત્રીજીઓએ ભેગા મળીને ફોઈનો કાંટો કાઢી નાંખવાનું કાવતરું ઘડી નાંખ્યું હતુ.

સૌ પ્રથમ આરોપીએ હકુબેનને સોડામાં ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી. જો કે ઝેરની અસર ના થતાં, આરોપીઓએ હકુબેનની ચુંદડી વડે જ ગળે ટૂંપો આપીને તેમની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી ભત્રીજી રાધાબેન સૈયદ શેખ, મધુબેન લક્ષ્મણ બાવાજી, મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો અને ભુપતભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. તેમજ હત્યામાં વપરાયેલી રિક્ષા અને ઝેરી દવાની બોટલ પણ જપ્ત કરી છે.

પારિવારિક સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આડા સંબંધોનો અંજામ કેટલી હદે ભયાનક આવી શકે છે, તેનું આ જઘન્ય ઉદાહરણ છે. હાલ તો પોલીસે ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કડક કાર્યવાહી હાથ ધરી છે.