U19 Asia Cup Final: એશિયા કપની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં અત્યંત કપરી પરિસ્થિતિમાંથી ભારતીય ટીમને ઐતિહાસિક વિજય અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ઓલરાઉન્ડર મોહિતની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. મોહિતની આ શાનદાર સિદ્ધિ બાદ રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ જીત અંગે મોહિતના પિતાએ પોતાની ખુશી અને સંઘર્ષની સફર વર્ણવતા જણાવ્યું હતું કે, મોહિતે ખરા અર્થમાં હીરો જેવું કામ કરીને સમગ્ર ભારતવર્ષનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મોહિત બેટિંગમાં આવ્યો ત્યારે ટીમની 8 વિકેટ પડી ચૂકી હતી અને જીતવા માટે 10ની રનરેટથી અંદાજે 100 રનની જરૂર હતી.
આ પણ વાંચો
પાકિસ્તાનના ત્રણેય બોલરો સારી લેન્થમાં બોલિંગ કરતા, મોહિત પણ લયમાં
જો કે પહેલા જ બોલ પર મોહિતના ટાઇમિંગ પરથી લાગી રહ્યું હતું કે, આજે તે લયમાં છે. બીજી તરફ પાકિસ્તાનના અલી રઝા સહિતના ત્રણ ફાસ્ટ બોલરો સારી લેન્થમાં બોલિંગ કરી રહ્યા હતા, પરંતુ મોહિતે આ ત્રણેય બોલરો સામે શાનદાર ટાઇમિંગ સાથે છગ્ગા ફટકાર્યા હતા. એક છેડેથી લક્ષ્ય રાયચંદાનીએ રમતને સંભાળી રાખી હતી અને ભારતની 11મા નંબર સુધીની ઊંડી બેટિંગ લાઇનઅપમાં સૌએ યોગદાન આપ્યું હતું. અંતે મોહિતે મેચને છેલ્લા બોલ સુધી લઈ જઈ ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી.
છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પહોંચતી હતી અને ગત વર્ષે ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ જીત દેશ માટે ખૂબ મોટું ગૌરવ છે.
મોહિતની ક્રિકેટ સફર અંગે વાત કરતા તેના પિતાએ ભાવુક થઈને કહ્યું કે, "છેલ્લા સાડા નવ વર્ષથી તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને મારી તો દુનિયા જ તેનું ક્રિકેટ છે. મોહિતની પ્રેક્ટિસ, રૂટિન, ફિટનેસ અને માનસિક મજબૂતી પર સતત ધ્યાન આપીને તેઓ તેને રોજ 500-500 બોલની પ્રેક્ટિસ કરાવતા હતા, જે સંઘર્ષનું આજે સફળ પરિણામ મળ્યું છે.
