Junagadh: વિસાવદરના ભાજપ ઉમેદવાર પર AAPના આક્ષેપ, કહ્યું- 'કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું, ચૂંટણી અધિકારી કાર્યવાહી કરે'

ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતાં કિરીટ પટેલની પોતાની આવક 1 વર્ષમાં ચાર ગણી થઈ ગઈ. વિસાવદર અને ગુજરાતની જનતામાં ચર્ચા , આટલા રૂપિયા આવ્યા ક્યાંથી?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Jun 2025 06:06 PM (IST)Updated: Thu, 05 Jun 2025 06:34 PM (IST)
junagadh-news-aap-isudan-gadhvi-allegations-on-bjp-candidate-kirit-patel
HIGHLIGHTS
  • આમ આદમી પાર્ટી કોર્ટનો દરવાજો ખખડાવશે : ઇસુદાન ગઢવી

Junagadh: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને ગંભીર આરોપો કર્યા હતા.

મીડિયા સમક્ષ આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પોતાનું ફોર્મ ભરતી વખતે જે એફિડેવિટ રજૂ કર્યું તેમાં તેમણે જણાવ્યું કે એક વર્ષ પહેલાં તેમની આવક 34 લાખ 74 હજાર હતી અને એ આવક વધીને એક વર્ષ બાદ એક કરોડ 42 લાખ થઈ ગઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત, પણ તેમણે પોતાની આવક ચાર ગણી કરી નાખી, આ રૂપિયા ક્યાંથી આવ્યા છે?

જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવામાં આવે છે ત્યારે એફિડેવિટમાં પોતાના કેશ, પોતાની મિલકત સહિત ગાડીઓની માહિતી આપવાની હોય છે. ભાજપના ઉમેદવારે પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી.આનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ જનતાથી માહિતી છુપાવી રહ્યા છે.

ભાજપના ઉમેદવારે ફ્રોડ કર્યું છે કારણ કે કોઈપણ વ્યક્તિ એફિડેવિટમાં કોઈ માહિતી ન છુપાવી શકે. મારો સવાલ છે કે ચૂંટણી અધિકારીઓ શું કરી રહ્યા છે? જો આ ઉમેદવાર બીજી પાર્ટીના હોત તો બની શકે કે ફોર્મ રદ થઈ ગયું હોત. અમારી માંગ છે કે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ચૂંટણી અધિકારીઓ યોગ્ય પગલાં લે નહીંતર આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.

એફિડેવિટમાં ત્રીજી એક ગંભીર બાબત દેખાય છે કે તેમણે પોતાની પત્નીને 33 લાખ રૂપિયાની લોન આપી છે. પોતાની પત્નીને ઘર-ઘરમાં જ કોણ લાખોની લોન આપે? એનો મતલબ કે ક્યાંકથી કરોડો રૂપિયાનો બ્લેકનો વહીવટ આવી રહ્યો હોય તેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે. આ તમામ વાત વિસાવદરની જનતાએ જાણવી જોઈએ. આ મામલે ઇન્કમટેક્સ અને ED દ્વારા તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભેંસાણમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે જનમેદનીને સંબોધન કરતાં કિરીટ પટેલ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, હું ઝેર પીને મરી જઈશ, પરંતુ ખેડૂતોનો એક રૂપિયો પણ ના લઉં. તેને જવાબ આપતા આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, હકીકત એ છે કે ખેડૂતો મરી રહ્યા છે. ખેડૂતો મગફળી વેચવા આવે છે, ત્યાં કટકીઓ થાય છે. ખેડૂતોને ભાવ નથી મળતા તેમાં તેઓ મરી રહ્યાં છે. મગફળી કાંડો કરીને ખેડૂતોને મારી નાંખવામાં આવ્યા છે. વિસાવદરની જનતા ખૂબ જ હોંશિયાર છે, એટલા માટે ભાજપને વિસાવદરમાં ઘૂસવા દેતી નથી.