Junagadh: લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભડકો, વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયા કરે તેવી અટકળો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 Dec 2023 10:27 AM (IST)Updated: Wed, 13 Dec 2023 11:47 AM (IST)
junagadh-news-aam-aadmi-party-bhupat-bhayani-likely-to-resign-from-aap-mla-post-and-join-bjp-soon

Bhupal Bhayani News: ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને શાનદાર શરૂઆત કરી હતી. જે બાદ પાર્ટીની નજર આગામી લોકસભા ચૂંટણી પર છે. એવામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને કેસરિયા કરે તેવી અટકળો થઈ રહી છે.

એવું કહેવાય છે કે, વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે તે ઘડીએ ભાજપમાં સામેલ થઈ શકે છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સાથે સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. આ મામલે ગુજરાતી જાગરણે ભૂપત ભાયાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓનો ફોન સ્વિચ ઑફ આવતો હતો. અગાઉ ગત વર્ષે પણ ભૂપત ભયાણી ભાજપમાં જોડાવાની અટકળો થઈ હતી.

આધારભૂત સુત્રોએ ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ, તાજેતરમાં જ ભેસાણમાં આપના કાર્યકરોની એક બેઠક મળી હતી. જેમાં ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. આ સાથે જ જણાવ્યું હતું કે, હવે મતદારોને બે ધક્કા નથી ખવડાવવા. એક ધક્કામાં તમામ કામ પતી જાય, તેવું કરવું છે.

જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ બાદ હર્ષદ રિબડીયા આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા હતા. જો કે ગત વિધાનસભા ચૂંટણી સમયે હર્ષદ રિબડીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.

જો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને 7000 મતે હરાવી દીધા હતા. ભૂપત ભાયાણી મૂળ ભાજપના છે. જો કે અઢી વર્ષ અગાઉ તેઓ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ સરપંચ પણ રહી ચૂક્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.