સૌરાષ્ટ્રના સુપરસ્ટારો હાર્યાઃ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, માયા આહીરની પુત્રી સોનલ ડેર, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાનો કારમો પરાજય

જૂનાગઢ તેમજ માણાવદર વિસ્તારમાં જવાહર ચાવડાના નજીક ગણાતા અનેક આગેવાનો ભાજપમાંથી રાજીનામું આપીને સમાજની પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 06:17 PM (IST)Updated: Tue, 28 Apr 2026 06:17 PM (IST)
gujarat-election-results-2026-big-faces-defeated-bjp-congress-star-candidates-shocked
HIGHLIGHTS
  • રાજકોટમાં આર.જે. આભા દેસાઈને જનતાએ નકારી
  • ભેસાણ બેઠક પર ભાજપ ઉમેદવારને આપએ પછાડ્યા

Gujarat Election Results 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. આ પરિણામોમાં સોશિયલ મીડિયા સ્ટાર્સથી લઈને પૂર્વ IPS અધિકારીઓ સુધીના નસીબનો ફેંસલો થયો છે. જો કે કેટલાક સ્ટાર્સના સિતારા ચમક્યાં જ્યારે કેટલાકને નિરાશા સાંપડી છે.

મોટા માથાઓની આંચકાજનક હારમાંનો સામનો કરવો પડ્યો છે, જેમાં ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલબેન ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા થયા છે.

આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ જનતાએ નકારી દીધા છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર આપના દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોથી હરાવ્યા છે.

નયનાબા જાડેજા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જો કે તેમનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન હોવા ઉપરાંત રિવાબા જાડેજાના નણંદ પણ છે. બંન્ને વચ્ચે અવાર નવાર શાબ્દિક ટપાટપી થતી રહેતી હોવાનાં કારણે બંન્ને ચર્ચામાં રહે છે.

વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ચર્ચિત ચહેરો તેવા આરજે આભાનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રેડિયો જોકીના વ્યવસાયના કારણે યુવાનોમાં ચર્ચિત ચહેરા આરજે આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી.

તેમજ જૂનાગઢ તેમજ માણાવદર વિસ્તારમાં જવાહર ચાવડાના નજીક ગણાતા ઘણા બધા આગેવાનો ભાજપમાંથી રાજીનામું આપી અને સમાજની પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેઓને પણ આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટો આપી હતી, પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો છે. માણાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.