વડોદરા મનપામાં ભાજપનો વિજયધ્વજ યથાવતઃ કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ-1માં ગાબડું, દિગ્ગજ નેતા અમી રાવતનો 31 મતે પરાજય

ભાજપ તરફથી કુંદન ટેલર અને ભર્સિંગ રાઠવા એ વોર્ડ 1માં આક્રમક પ્રચાર અને જનસમર્થન દ્વારા અમી રાવત, નિકુલ પટેલ, સોના દેસાઈને કારમી હાર આપી વિજય વાવટો લહેરાવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 05:57 PM (IST)Updated: Tue, 28 Apr 2026 05:58 PM (IST)
vmc-election-results-2026-congress-leader-ami-rawat-loses-by-31-votes
HIGHLIGHTS
  • 2021ની જેમ ભાજપે આ વખતે પણ 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો
  • કોંગ્રેસની બેઠકોની સંખ્યા 7થી ઘટીને 6 પર પહોંચી ગઈ

VMC Election Results 2026: વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. શહેરમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખતા ગત વર્ષ 2021ની જેમ આ વખતે પણ 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો આંચકાજનક રહ્યા છે, જ્યાં તેમની બેઠકોની સંખ્યા 7થી ઘટીને 6 પર પહોંચી ગઈ છે.

વોર્ડ નંબર 1માં મોટો ઉલટફેર

આ ચૂંટણીનું સૌથી મોટું ચર્ચાનું કેન્દ્ર વોર્ડ નંબર 1 રહ્યું છે, જે વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો હતો. આ ગઢમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે.

દિગ્ગજ નેતાની હાર:

કોંગ્રેસના સીનિયર નેતા અને છેલ્લા બે ટર્મથી સતત જીતતા આવતા અમી રાવતને આ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રસાકસી ભરી જંગમાં તેઓ માત્ર 31 મતોથી હારી ગયા છે.

બળવાખોરનો વિજય:

કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હરીશ પટેલનો વોર્ડ 1 માં ભવ્ય વિજય થયો છે. હરીશ પટેલની જીતે કોંગ્રેસના આંતરિક સમીકરણો બગાડ્યા હોય તેમ જણાય છે.

ભાજપના ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન

ભાજપ તરફથી કુંદન ટેલર અને ભર્સિંગ રાઠવા એ વોર્ડ 1માં આક્રમક પ્રચાર અને જનસમર્થન દ્વારા અમી રાવત, નિકુલ પટેલ, સોના દેસાઈને કારમી હાર આપી વિજય વાવટો લહેરાવ્યો છે. આ વિજય સાથે ભાજપે સાબિત કરી દીધું છે કે, તેઓ વિપક્ષના ગઢમાં પણ સિંધી મારવાની ક્ષમતા ધરાવે છે.

કોંગ્રેસની સ્થિતિ

જોકે કોંગ્રેસ માટે આ વોર્ડમાં એકમાત્ર રાહતના સમાચાર પુષ્પા વાઘેલાની જીત છે. તેમણે પોતાની બેઠક જાળવી રાખી છે, પરંતુ સમગ્ર રીતે જોતા કોંગ્રેસના સૂપડા સાફ થતા જોવા મળ્યા છે. 2021માં 7 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે 6 બેઠકો પર સમેટાઈ ગઈ છે.

વડોદરાની જનતાએ ફરી એકવાર વિકાસના નામે ભાજપ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ 1 ના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે, મતદારો હવે ચહેરા કરતા કામ અને સ્થાનિક સમીકરણોને વધુ મહત્વ આપી રહ્યા છે. અમી રાવત જેવો મોટો ચહેરો ગુમાવવો એ કોંગ્રેસ માટે આગામી સમયમાં ચિંતાનો વિષય બની રહેશે.