જામનગર મનપા ચૂંટણીમાં રિવાબા જાડેજાની રણનીતિ કામ કરી ગઈઃ કોંગ્રેસના મુસ્લિમ બહુલ વોર્ડમાં ગાબડું પાડ્યું, ભાજપનો ભગવો લહેરાયો

AAPના ઉમેદવાર અસ્લમ ખિલજી, એડવોકેટ જૈનબ ખફી, ગુજસીટોકમાં જેલવાસ ભોગવી રહેલા કોંગ્રેસ ઉમેદવાર અલ્તાફ ખફી અને સહારાબેન મકવાણાની જીત. AAP-કોંગ્રેસે 2-2 બેઠકો વહેંચી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 05:39 PM (IST)Updated: Tue, 28 Apr 2026 05:39 PM (IST)
jamnagar-municipal-election-2026-results-candidates-in-jail-win-big-bjp-sweeps-muslim-majority-ward
HIGHLIGHTS
  • જામનગર મનપાના વોર્ડ 12 અને 1ના પરિણામોએ સૌને ચોંકાવ્યા
  • ક્યાંક જેલના સળિયા પાછળથી ઉમેદવારોની જીત થઈ

Jamnagar Election Results: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ શહેરના રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 1ના પરિણામો આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એકતરફ જ્યાં જેલવાસ ભોગવી રહેલા ઉમેદવારોએ જીત મેળવી છે, તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડ્યું છે.

વોર્ડ નંબર 12 આ વખતે અનોખા અને આશ્ચર્યજનક પરિણામો માટે ચર્ચામાં રહ્યો છે. આ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે.આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસ્લમ ખિલજી, જેઓ અગાઉ કોંગ્રેસમાં હતા અને હાલ જેલમાં છે, તેમણે ભવ્ય વિજય મેળવ્યો છે. તેમની સાથે એડવોકેટ જૈનબબેન ખફી પણ 'આપ' તરફથી વિજેતા બન્યા છે.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી, જેઓ ગુજસીટોક કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે, તેઓ પણ જેલમાંથી ચૂંટણી જીતી ગયા છે. તેમની સાથે સહારાબેન મકવાણાએ પણ કોંગ્રેસની બેઠક જાળવી રાખી છે. વોર્ડ નંબર 12માં મતદારોના વિખરાયેલા મતના કારણે ત્રિકોણીય મુકાબલો સર્જાયો હતો, જેમાં 'આપ' અને કોંગ્રેસે 2-2 બેઠકો વહેંચી લીધી છે.

ભાજપે આ ચૂંટણીમાં મુસ્લિમ બહુલ ગણાતા વોર્ડ નંબર 1માં ગાબડું પાડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. વર્ષોથી આ વોર્ડ કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા અને મુસ્લિમ બહુલ ગણાતા વોર્ડ નંબર-1માં ગાબડું પાડીને ઈતિહાસ સર્જ્યો છે. આ જીતને ભાજપ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ ઐતિહાસિક વિજય પાછળ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની રણનીતિ મુખ્ય હોવાનું મનાય છે. વિજય બાદ તેમણે જણાવ્યું હતું કે, આ જીત પક્ષના પાયાના કાર્યકરોની મહેનતનું પરિણામ છે. મુસ્લિમ બહુલ વિસ્તારમાં ભાજપની આખી પેનલનો વિજય થવો એ જામનગરના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપે છે.