Junagadh News: જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુખ્યાત શિવગિરી સાધુના ગેરકાયદેસર ઠેકાણા અને બાંધકામ પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.
શિવગીરીના ગેરકાયદેસર રહેણાંક તોડી પડાયા
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ભવનાથ ઝોનલ ઓફીસ પાછળ તેમજ સુદર્શન તળાવ નજીકના વિસ્તારમાં આરોપી સાધુ શિવગિરી દ્વારા ગેરકાયદે કબજો જમાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા પણ આ સ્થળ પરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી છતાં શિવગિરીએ ફરીથી તે જ સ્થળે બાંધકામ ઊભું કરી દીધું હતું. આજે તંત્રએ કડક વલણ અપનાવી આ દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા શિવગિરી સાધુના ગેરકાયદેસર ઠેકાણા અને બાંધકામ પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.

ગિરનારી માતા પર હિંસક હુમલો કરવાનો મામલો
આ કાર્યવાહી પૂર્વે, 24 નવેમ્બરની રાત્રે જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર શિવગિરીએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી, ગુરુ જયદેવગિરી સહિત અન્ય ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ₹1.62 લાખની લૂંટ અને હુમલા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
હુમલાની ઘટના બાદ આરોપી શિવગિરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા શિવગિરીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે.
