Kanjadi village truck accident: વંથલી તાલુકાના કણજડી ગામના મુખ્ય માર્ગ પર એક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે તંગદિલીનો માહોલ ઉભો થયો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ હંગામો મચાવીને ડમ્પરને આગ ચાંપી દીધી હતી, અને અન્ય ત્રણ ડમ્પરના કાચ પણ ફોડી નાખ્યા હતા.
ગંભીર અકસ્માતમાં બાઇકચાલક ઈજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, કણજડી ગામના મેઈન રોડ પરથી ઓઝત નદી તરફ એક ખાલી ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ સમયે સામેથી આવતા બાઇક ચાલક પિયુષ મેતર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બાઈક ચાલક પિયુષ મેતરને ખાનગી વાહન મારફતે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કર્યો હતો.
ગ્રામજનોએ ડમ્પર સળગાવ્યું-કાચ ફોડ્યા
ગામના રસ્તાઓ પર ડમ્પર ચાલકોના બેફામ ડ્રાઇવિંગને કારણે લોકોમાં પહેલેથી જ નારાજગી હતી, અને અકસ્માત સર્જાતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને સળગાવી દીધું હતું. આટલેથી ન અટકતા, ત્યાંથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલા અન્ય ત્રણ ડમ્પરના કાચ પણ લોકોએ ફોડી નાખ્યા, જેના કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ
બનાવની જાણ થતાં જ વંથલી પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ કણજડી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોની એક જ ઉગ્ર માંગ છે કે, ગામના મુખ્ય માર્ગ પર 50 ટનથી વધુ વજન (રેતી) ભરીને અત્યંત બેદરકારી અને બેફામ ગતિએ દોડતા આ તમામ ડમ્પરોની અવરજવર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. લોકોના જીવના જોખમે ચાલતા આ ઓવરલોડ ડમ્પરો સામે તંત્ર કડક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે.
