'આજે તો તને પતાવી દેવી છે..! વંથલીના મોટા કાજલીયાળામાં મોડી રાતે ખૂની ખેલ, રિસામણે બેઠેલી પત્ની પર પતિ છરી લઈ તૂટી પડ્યો

રાતે 2 વાગ્યાના અરસામાં પતિ વંડી ઠેકીને ઘરમાં ઘૂસી ગયો. અવાજ થતાં જાગેલી પત્નીએ જોયું તો હાથમાં છરી લઈને પતિ ઉભો હતો. કંઈ સમજે તે પહેલા જ હુમલો કરી દીધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Apr 2026 07:19 PM (IST)Updated: Tue, 21 Apr 2026 07:20 PM (IST)
junagadh-news-husband-attacks-wife-and-in-laws-with-knife-in-vanthali
HIGHLIGHTS
  • પુત્રીને બચાવવા વચ્ચે પડેલા સાસુ-સસરાને પણ છરીના ઘા ઝીંકી દીધા

Junagadh: જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામમાં મોડી રાતે ખૂની ખેલની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે રિસામણે બેઠેલી પોતાની પત્નીના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરી દીધો હતો. આ સમયે બચાવવા વચ્ચે પડેલા સાસુ-સસરાને પણ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી મૂક્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોટા કાજલીયાળા ગામમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી પરિણીતા જયશ્રી પરમાર (27)ના નીતિન પરમાન નામના યુવક સાથે લગ્ન થયા હતા. જો કે નીતિનને દારૂ પીવાની આદત હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. તેમજ આર્થિક તંગીના કારણે પણ નીતિન દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો.

આખરે પતિના અત્યાચારથી કંટાળીને જયશ્રી છેલ્લા 4 મહિનાથી મોટા કાજલીયાળા ગામમાં પોતાના પિયર રહેવા આવી ગઈ હતી. ગત 19 એપ્રિલના રોજ જયશ્રી સહિતના પરિવારજનો સૂઈ ગયા હતા, ત્યારે 2 વાગ્યાના અરસામાં નીતિન વંડી ઠેકીને ઘરમાં ઘૂસી ગયો હતો. જો કે અવાજ થતાં જયશ્રી જાગી ગઈ હતી અને જોયું તો નીતિન સામે છરી લઈને ઉભો હતો. જયશ્રી કંઈ સમજે તે પહેલા નીતિને 'આજે તો તને પતાવી જ દેવી છે..' કહીને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

દીકરીની ચીસો સાંભળીને ઓસરીમાં સૂઈ રહેલા માતા-પિતા તરત જ અંદર દોડી આવ્યા હતા, જ્યાં તેમણે જમાઈની ચુંગાલમાંથી દીકરીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા નીતિને સાસુ અને સસરા પર પણ છરીના ઘા ઝીંકીને ભાગી છૂટ્યો હતો. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે વંથલી પોલીસે આરોપી નીતિન પરમાર વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, હુમલો કર્યો તે દિવસે નીતિને બાળકોને લઈ જવાની જીદ કરી હતી.

જો કે નીતિન નશામાં હોવાથી જયશ્રીએ ઈનકાર કરતાં પત્નીને ફટકારી હતી. આખરે પોલીસે નીતિનને ધમકાવતા તે ચૂપચાપ જતો રહ્યો હતો. જો કે મોડી રાતે નીતિન છરી લઈને ફરીથી આવ્યો અને હુમલો કર્યો હતો. જે બાદ ભાગવા જતાં નીતિનને પણ પગમાં ઈજા પહોંચી હતી. હાલ નીતિન પણ જૂનાગઢ સિવિલમાં સારવાર લઈ રહ્યો છે.