Junagadh News: ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત બની છે. પરંતુ વિસાવદરના રતાંગ ગામમાં બનેલી એક ‘ખૌફનાક’ ઘટનાએ સમગ્ર પંથકમાં ફાળ પાડી દીધી છે. ગામની શેરીમાં સિંહે પશુનું મારણ કરીને મિજબાની માણી રહ્યો હતો. જોકે, ડાલાપથ્થા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી હતી. જેના લીધે એક ગંભીર દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી.
આ પણ વાંચો
લોકોએ ટોર્ચથી ફ્લેશ કરતા સિંહ છંછેડાયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હચમચાવી દે તેવા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, સિંહ શાંતિથી ખોરાક આરોગી રહ્યો હતો. ત્યારે લોકો જીવના જોખમે વીડિયો ઉતારવામાં મશગૂલ હતા. મોબાઈલની ફ્લેશ લાઈટ અને સતત થતા અવાજોથી વિચલિત થયેલા વનરાજે અચાનક શિકાર છોડી નજીક ઉભેલી એક બાળકી પાછળ દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી.
સિંહે બાળકી પાછળ દોટ મૂકી દીધી
હાજર લોકોએ તત્કાલ દેકારો કરતા સિંહ બાળકી સુધી પહોંચે તે પહેલા જ પાછો વળી ગયો હતો. રતાંગ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી થઈ નથી અને વહીવટદારનું શાસન છે. આટલી ગંભીર અને જીવલેણ ઘટના બની હોવા છતાં ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે આ બાબતે અજાણ હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા છતી કરી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે જંગલના રાજા હવે શેરીઓમાં ભટકી રહ્યા છે.
