જૂનાગઢમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને ગર્ભપાત: ઈન્સ્ટાગ્રામથી દોસ્તી કરી મોબાઈલ હેક કર્યો, 3 આરોપીઓ ઝબ્બે

જૂનાગઢમાં કોલેજની વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અને ગર્ભપાત કરાવવાના આરોપમાં તાલાળાના ફરાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સહિત 3 શખ્સોની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 22 Oct 2026 12:13 PM (IST)Updated: Thu, 22 Oct 2026 12:13 PM (IST)
junagadh-crime-college-girl-rape-abortion-case-3-arrested

Junagadh Crime News: જૂનાગઢ શહેરના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે વિશ્વાસઘાત, દુષ્કર્મ અને ગર્ભપાત કરાવવાના ગંભીર આક્ષેપો સાથેનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસમાં મુખ્ય આરોપી ફરાઝ ઉર્ફે ઇમ્તિયાઝ કાદરભાઈ સુમરા સહિત શોએબ અને અસ્પાકની ધરપકડ કરવામાં આવી છે.

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી

જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, અન્ય જિલ્લાના વતની અને જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પી.જી.માં રહેતી હતી. ત્યારબાદ તે પોતાની બહેનપણી સાથે એક ખાનગી મકાનમાં ભાડેથી રહેવા ગઈ હતી. આરોપ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીના સંપર્કમાં આવેલા તાલાળાના ચિત્રાવાડ ગામના રહેવાસી ફરાઝ ઉર્ફે ઇમ્તિયાઝ કાદરભાઈ સુમરાએ ત્યારબાદ વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે તેની સાથે સંપર્ક વધાર્યો હતો.

આરોપી પર દુષ્કર્મનો ગંભીર આક્ષેપ

પ્રથમ મુલાકાત દરમિયાન આરોપીએ પોતે ગાડી લે-વેચનો વ્યવસાય કરતો હોવાનું અને અપરણિત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હોવાનો આક્ષેપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ લગ્નની લાલચ આપી પોતાના મિત્રની મદદથી યુવતીને કાળવા ચોક પાસે આવેલી હોટેલ પેરેમાઉન્ટમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ છે.

યુવતીનો મોબાઈલ હેક કર્યો

શોએબ નામના મિત્રે મદદ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ત્યારબાદ આરોપી યુવતીને અવારનવાર અલગ-અલગ સ્થળોએ લઈ જતો હતો. યુવતીએ આ બાબતે ના પાડતાં આરોપીએ તેની જાણ બહાર મોબાઇલ ફોન અને વોટ્સએપ હેક કર્યા હોવાની તથા કોની સાથે વાતચીત કરે છે તે મુદ્દે ડરાવી-ધમકાવી શારીરિક શોષણ ચાલુ રાખ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, આ ગંભીર મામલે જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(એમ), 69, 349(2), 89 તેમજ આઈટી એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.