Cyclone Shakti: અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન 'શક્તિ'ના અસરના કારણે ગીર સોમનાથના ચોરવાડ અને જૂનાગઢના માંગરોળના માછીમારોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હકીકતમાં વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠાથી દૂર તરફ ગતિ કરી રહ્યું હોય, પરંતુ તેની અસરના કારણે દરિયો તોફાની બન્યો છે. હાલ પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
દરિયામાં ઉછળી રહેલા ઊંચા મોજાના કારણે માછીમારોએ દરિયા કિનારે લાંગરેલી નાની-નાની બોટો નિયંત્રણ ગુમાવીને તણાવા લાગી હતી. હજુ પણ માછીમારોની તમામ બોટો દરિયામાં તરતી જોવા મળી રહી છે. જેના કારણે માછીમારીનો આજીવિકા પર ગંભીર અસર પડી છે.
માછીમારોને અવારનવાર કુદરતી આફતોના લીધે મોટા નુકસાન ભોગવવા પડે છે, ત્યારે આ વખતે પણ 'શક્તિ' વાવાઝોડાએ તેમની મુશ્કેલી વધારી છે. હાલમાં આ અસરગ્રસ્ત માછીમારોને સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.
6 ઓક્ટોબર બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વર્તમાન ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે. હાલમાં આ સિસ્ટમ ભારતીય કિનારાઓથી દૂર જઈ રહી છે. જો કે તેના પ્રભાવ હેઠળ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકાયો છે.
આ ચક્રવાતી સિસ્ટમ 6 ઓક્ટોબરના રોજ 'યુ-ટર્ન' લઈને ગુજરાત તરફ વળશે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ખૂબ ઓછી થવાની સંભાવના છે અને તેનાથી ડરવાની જરૂર નથી.
6 થી 7 ઓક્ટોબરના રોજ તે દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે, જેના કારણે રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. વાવાઝોડાના પ્રભાવ હેઠળ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 8 અને 9 ઓક્ટોબરના વરસાદની સંભાવના વાવાઝોડાના પગલે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર (સૌરાષ્ટ્ર), તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
