Cyclone Shakti: 'શક્તિ' વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠેથી 60 કિમી દૂર ગયું, નબળું પડીને 5મીએ પાછુ ફંટાશે

કાલે 'શક્તિ' વાવાઝોડું અરબ સાગરમાં પશ્ચિમ-મધ્યમાં પહોંચીને સ્થિર થશે અને બીજા દિવસે ફરીથી ઉત્તર-પૂર્વની દિશામાં ફંટાશે, ત્યારે ગતિ ઘટી જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Oct 2025 09:03 PM (IST)Updated: Sat, 04 Oct 2025 09:11 PM (IST)
devbhumi-dwarka-deputy-collector-on-cyclone-shakhti-imd-updates
HIGHLIGHTS
  • દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ
  • અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવાના આદેશ, માછીમારોને એલર્ટ કરાયા

Cyclone Shakhti News: બંગાળની ખાડીની સિસ્ટમ અરબ સાગરમાં ગતિ કરીને ડીપ ડીપ્રેશનમાંથી સાયક્લોનિક સ્ટોર્મ અર્થાત વાવાઝોડામાં ફેરવાયું છે. આ વાવાઝોડાને 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે. ગઈકાલે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દ્વારકાના દરિયા કાંઠાથી 260 કિમી દૂર હતું. જો કે રાહતની વાત એ છે કે, આજે આ વાવાઝોડું ધીમે-ધીમે ગુજરાતના દરિયા કાંઠાથી દૂર જઈ રહ્યું છે. આથી ગુજરાત પર મહદઅંશે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.

આ અંગે વિગતો આપતા દ્વારકા જિલ્લા અધિક કલેક્ટર ભૂપેશ જોટણીયાએ જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન 13 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધીને તોફાની વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. ગઈકાલે આ વાવાઝોડું દ્વારકા અને કચ્છ જિલ્લાના નલિયાથી 360 કિલોમીટર દૂર હતુ.

જો કે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે, હાલ આ શક્તિ વાવાઝોડું દ્વારકા અને નલિયાથી 420 કિલોમીટર દૂર છે. ગઈકાલ અને આજની સ્થિતિ જોઈએ તો, શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે. ગઈકાલ કરતાં આજે વાવાઝોડું 60 કિલોમીટર ગુજરાતથી દૂર જતું રહ્યું છે.

આ વાવાઝોડું આવતીકાલે એટલે કે 5મી ઓક્ટોબરે અરબ સાગરમાં પશ્ચિમ-મધ્ય તરફ પહોંચશે અને 6 ઓક્ટોબરે ફરીથી ઉત્તર-પૂર્વની દિશા તરફ ફંટાવવાની શક્યતા છે. જો કે ચક્રવાત ફંટાશે, તે સાથે જ તેની ગતિ અને જોર ક્રમશઃ ઘટતું જશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

હાલની સ્થિતિ જોઈએ તો, વાવાઝોડું દૂર જઈ રહ્યું હોવાથી કોઈએ ડરવાની જરૂર નથી. આ ચક્રવાત આવતીકાલે સ્થિર થઈને પરમ દિવસે પરત ફરશે, ત્યારે તે નબળું પડી ગયું હશે.

આમ છતાં વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. આ માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા અને તાલુકાના તમામ કંટ્રોલરૂમને રાઉન્ડ ધી ક્લોક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે રવિવારની રજા હોવા છતાં તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવાની સૂચના આપી દેવામાં આવી છે.

ખાસ કરીને ફિશરીઝ અને PGVCLના અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તમામ નાગરિકો અને ખાસ કરીને માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આમ છતાં જો કોઈ પણ પ્રકારની મદદની જરૂર જણાય, તો તાત્કાલિક જિલ્લા કે તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો.