Girnar Lili Parikrama History: ગુજરાતના જૂનાગઢ નજીક આવેલ પવિત્ર ગિરનાર પર્વતનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને રહસ્યમય છે. કારતક સુદ અગિયારસથી શરૂ થતી અને દેવ દિવાળીની પૂનમે પૂર્ણ થતી ગિરનાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2025) આજે પણ ભક્તિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ છે. હજારો વર્ષોથી ચાલતી આવી પરિક્રમા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક ઉત્સવરૂપ બની ગઈ છે. આ પવિત્ર યાત્રાનું ધાર્મિક મહાત્મ્ય તેની સાથે જોડાયેલી વર્ષો જૂની પૌરાણિક કથાઓમાં રહેલું છે.
આ વર્ષે ગિરનાર પરિક્રમાનો પ્રારંભ 1 નવેમ્બર (કાર્તિક શુક્લ એકાદશી) ના રોજ થશે અને તે 5 નવેમ્બર (કારતક પૂર્ણિમા) ના રોજ સમાપ્ત થશે.
ગિરનારનો ઈતિહાસ અને દંતકથા
ગિરનારની પરિક્રમા આશરે 24000 વર્ષો પૂર્વેની એક દંતકથા સાથે જોડાયેલી છે. પ્રાચીન દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે, લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પવનની ગતિ પ્રતિ કલાક 25000 કિ.મી. જેટલી હતી અને પર્વતોને પાંખો હતી.
માન્યતા અનુસાર, સૃષ્ટિની યોજના કરતી વખતે બ્રહ્માજીએ પર્વતોની પાંખો કાપી નાખી, જેના પરિણામે પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. આ સમયે ગિરનાર પર્વત સમુદ્રમાં છુપાયેલો હતો. ગિરનારને હિમાલયનો પુત્ર માનવામાં આવે છે, જેથી તે માતા પાર્વતીના ભાઈ થાય છે.
આશરે 20000 વર્ષો પહેલાં હિમાલયમાં માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન સમારોહ યોજાયો. બહેનના વિવાહમાં હાજરી આપવા માટે ગિરનાર સમુદ્રની બહાર નીકળ્યો અને સમુદ્રતટથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો. જોકે, ગિરનાર માટે હિમાલય જવું શક્ય ન બન્યું.
ત્યારબાદ, આગામી ત્રિપુરી પૂર્ણિમાના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવ સ્વયં ગિરનાર પર્વત પર પધાર્યા.
દેવતાઓ દ્વારા પરિક્રમાની શરૂઆત
પૌરાણિક કથા મુજબ, શિવ-પાર્વતીના લગ્નમાં ઉપસ્થિત તમામ દેવતાઓ, ઋષિ-મુનિઓ, નવગ્રહો, અષ્ટ સિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ અને કુબેર ભંડારી - આ સૌએ શિવ-પાર્વતી સાથે મળીને 4 દિવસ સુધી ગિરનારની પરિક્રમા કરી હતી.
તેમ માનવામાં આવે છે કે તે સમય દરમિયાન આ તમામ દેવતાઓ ગિરનારના જંગલમાં રોકાયા હતા. આ પરંપરા અનુસાર, આજે પણ કારતક એકાદશીથી શરૂ થઈને કારતક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાય છે અને એટલે જ ભક્તો આ સમયગાળા દરમિયાન આ યાત્રા કરે છે.
'ગિરનાર' ગુજરાતનો સૌથી ઊંચો પર્વત
ધાર્મિક આસ્થા, પૌરાણિક કથાઓ અને ભવ્ય પ્રાકૃતિક સૌંદર્યનું કેન્દ્ર ગણાતો ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી 5 કિ.મી. ઉત્તરે આવેલો પર્વતોનો સમૂહ છે. સિદ્ધ ચોરાસી સંતોની બેઠક ગણાતા આ પર્વત પર કુલ પાંચ ઊંચા શિખરો આવેલા છે, જે તેને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત બનાવે છે.
ગિરનારના પાંચ મુખ્ય શિખરો નીચે મુજબની ઊંચાઈ ધરાવે છે:
| શિખરનું નામ | ઊંચાઈ (ફૂટમાં) |
| ગોરખ શિખર | 3600 |
| અંબાજી શિખર | 3300 |
| જૈન મંદિર શિખર | 3300 |
| ગૌમુખી શિખર | 3120 |
| માળીપરબ | 1800 |
લોકમાન્યતા અનુસાર, ગિરનાર પર્વત પર કુલ 9,999 પગથિયાં છે અને કુલ 866 મંદિરો આવેલા છે. આ મંદિરો પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તાઓ દ્વારા એક શિખર પરથી બીજા શિખર સાથે જોડાયેલા છે, જે ભક્તો માટે એક અનોખો યાત્રા અનુભવ પૂરો પાડે છે.
ભવનાથ મંદિર: પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રી દરમિયાન અહીં નાગા બાવાઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે.
જૈન મંદિર પરિસર: 4,000 પગથિયાં ઉપર પહોંચ્યા પછી સપાટ વિસ્તારમાં ભવ્ય જૈન મંદિર પરિસર આવેલું છે. અહીં 12મીથી 16મી સદી વચ્ચે બંધાયેલા મંદિરોમાં એક સ્થળ એવું છે, જ્યાં જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથએ 700 વર્ષના તપ બાદ કાળધર્મ પામ્યા હતા.
અંબાજી મંદિર: વધુ 2000 પગથિયાં ચઢ્યા પછી અંબા માતાનું મંદિર આવે છે, જ્યાં હિન્દુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. નવપરિણીત યુગલો અહીં આશીર્વાદ લેવા માટે ખાસ આવે છે.
કાળકા માતાનું મંદિર: અંતિમ 2000 પગથિયાં ચઢ્યા પછી ટોચ પરથી ભવ્ય દ્રશ્યો જોવા મળે છે. પથરીલા રસ્તા પર આગળ વધીને કાળકા માતાનું મંદિર આવેલું છે, જ્યાં અઘોરી બાવાઓ તેમના શરીર પર સ્મશાનની ભભૂતિ લગાવે છે.
