Girnar Parikrama 2026 Date: ગિરનારની લીલી પરિક્રમા ક્યારે શરૂ થશે? જાણો તારીખ, રૂટ અને યાત્રા દરમિયાન રાખવાની સાવચેતીઓ

Girnar Parikrama 2026 Start and End Date: ગુજરાતી જાગરણના આ આર્ટિકલમાં જાણો, વર્ષ 2026માં ગિરનારની લીલી પરિક્રમાની તારીખ, રૂટ, ઇતિહાસ અને મહત્વ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 13 Jan 2026 12:34 PM (IST)Updated: Tue, 13 Jan 2026 12:34 PM (IST)
junagadh-girnar-parikrama-2026-start-and-end-date-route-map-distance-history-and-significance

Girnar Parikrama 2026 Start and End Date: સૌરાષ્ટ્રની શાન અને આસ્થાના પ્રતિક સમાન ગિરનાર પર્વતની ગોદમાં યોજાતી પરંપરાગત 'લીલી પરિક્રમા' નું અનેરું મહત્વ છે. દર વર્ષે કારતક મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પ્રકૃતિના ખોળે આ કઠિન યાત્રા કરે છે. ગુજરાતી જાગરણના આ આર્ટિકલમાં જાણો, વર્ષ 2026માં ગિરનારની લીલી પરિક્રમાની તારીખ, રૂટ, ઇતિહાસ અને મહત્વ.

ગિરનાર પરિક્રમા 2026 તારીખ (Girnar Parikrama 2026 Date)

વર્ષ 2026 માં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ 20 નવેમ્બર, 2026 (કારતક સુદ અગિયારસ) ના રોજ થશે. આ ધાર્મિક યાત્રા 5 દિવસ સુધી ચાલશે અને 24 નવેમ્બર, 2026 (દેવ દિવાળી/કારતક પૂર્ણિમા) ના રોજ સંપન્ન થશે. સામાન્ય રીતે ગીરના જંગલનો આ રૂટ માત્ર આ દિવસો દરમિયાન જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે છે.

ગિરનાર પરિક્રમા માર્ગ અને અંતર (Girnar Parikrama Route and Distance)

ગિરનાર પરિક્રમાનો માર્ગ આશરે 36 કિલોમીટર લાંબો છે અને તે ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે.

રૂટ અંતર
ભવનાથથી ઝીણા બાવાની મઢી 12 km
જીણાબાવાની મઢીથી માળવેલા 8 km
માળવેલાથી બોરદેવી 8 km
બોરદેવીથી ભવનાથ 8 km

આ યાત્રા જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા દૂધેશ્વર મંદિરથી શરૂ થાય છે.

પદયાત્રાના મુખ્ય પડાવો અને સુવિધાઓ

યાત્રાળુઓની સુવિધા માટે પરિક્રમાના રૂટ પર અમુક મહત્વની જગ્યાઓ પર તાજા પાણીની સગવડ ઉપલબ્ધ હોય છે.

સ્થળ અંતર
કાળકાનો વડલો 2 km
જીણાબાવાની મઢી 2.5 km
માળવેલાની ધોડી 6 km
માળવેલાની જગ્યા 8.5 km
સુરજકુંડની જગ્યા 10.5 km
સુખનાળા 12 km
નાગદેવતાના સ્થાનક પાસે 15 km
બોરદેવી ત્રણ રસ્તા 18 km
બોરદેવીની જગ્યા 20 km

પરિક્રમા કુલ 36 કિલોમીટર જેટલી લાંબી હોય છે, જે મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી છે:

ભવનાથથી ઝીણા બાવાની મઢી (આશરે 12 કિમી): યાત્રાની શરૂઆત ભવનાથ તળેટીથી થાય છે. અહીંથી યાત્રાળુઓ 'ઈટવા ઘોડી' ચઢીને ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે અને ઝીણા બાવાની મઢી પહોંચે છે. આ સ્થાન હસનાપુર ડેમની નજીક છે અને અહીં પ્રથમ રાત્રિરોકાણ કરવામાં આવે છે.

ઝીણા બાવાની મઢીથી માળવેલા: અહીંથી આગળ વધતા રસ્તામાં 'ચંદ્ર મૂળેશ્વર' મંદિર આવે છે, જેને 'રાણિયો કુવો' પણ કહેવાય છે. યાત્રિકો સરખડિયા હનુમાન થઈને અથવા સીધા માળવેલા પહોંચી શકે છે. સરખડિયા હનુમાન આસપાસનો વિસ્તાર સિંહોની અવરજવર માટે જાણીતો છે.

માળવેલાથી બોરદેવી: માળવેલાથી આગળ વધતા પરિક્રમાનો સૌથી કઠિન ભાગ 'નળપાણી ઘોડી' આવે છે. આ ઘોડી ઉતરીને શ્રદ્ધાળુઓ બોરદેવી પહોંચે છે. નળપાણી ઘોડીનો રસ્તો લપસણો અને ઢોળાવવાળો હોવાથી અહીં સૌથી વધુ સાવધાની રાખવી પડે છે.

બોરદેવીથી ભવનાથ: બોરદેવી એ પરિક્રમાનો છેલ્લો વિસામો છે. ત્યાંથી ભવનાથ તળેટીનું અંતર આશરે 8 કિમી છે. અહીં પરત ફરીને ભક્તો યાત્રા પૂર્ણ કરે છે.

ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ

ગિરનારને 33 કરોડ દેવતાઓ, 64 જોગણીઓ અને નવનાથનું નિવાસસ્થાન માનવામાં આવે છે. ગિરનારનો આકાર શિવલિંગ જેવો છે, તેથી તેની પ્રદક્ષિણા પુણ્યશાળી ગણાય છે. રસ્તામાં નેમિનાથ મંદિર, ગુરુ દત્તાત્રેય અને અનેક ઐતિહાસિક સ્થાનો આવેલા છે.

યાત્રિકો માટે સાવચેતી અને સુવિધાઓ

ગિરનાર પરિક્રમાનો માર્ગ જંગલ અને પહાડી વિસ્તારમાંથી પસાર થતો હોવાથી યાત્રિકોએ પૂરતી તૈયારી સાથે આવવું જોઈએ.

  • જરૂરી સામાન: આરામદાયક પગરખાં, ટોર્ચ/ફ્લેશલાઇટ, ગરમ કપડાં અને જરૂરી દવાઓ સાથે રાખવી.
  • સાવચેતી: જંગલી પ્રાણીઓનો વિસ્તાર હોવાથી રાત્રે સાવધાન રહેવું અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું.
  • રહેવા-જમવાની સગવડ: રસ્તામાં અનેક અન્નક્ષેત્રો સેવા આપે છે, તેમજ તળેટીમાં ધર્મશાળાઓમાં રોકાણની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે.

કેવી રીતે પહોંચવું?

જૂનાગઢ શહેર રોડ અને રેલવે માર્ગે ગુજરાતના તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદર (86 કિમી) છે. રેલવે સ્ટેશનથી ગિરનાર તળેટી માત્ર 5 થી 7 કિમીના અંતરે છે.