ગિરનાર લીલી પરિક્રમામાં માનવ મહેરામણ: ઠેર ઠેર અન્નક્ષેત્રો ધમધમ્યા, એસટીની 70 ટ્રીપમાં 6 હજારથી વધુ ભાવિકોએ કરી મુસાફરી

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા પહેલા ભવનાથમાં ઠેર ઠેર અન્નક્ષેત્રો શરૂ કરાયાં, જ્યારે એસટી વિભાગે 70 એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા 6 હજારથી વધુ શ્રદ્ધાળુઓને મુસાફરી કરાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 09:43 AM (IST)Updated: Fri, 20 Nov 2026 09:43 AM (IST)
girnar-lili-parikrama-2026-junagadh-st-bus-70-trips-annakshetra-devotees-crowd

Girnar Lili Parikrama 2026: જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ત પ્રારંભ તા. 20 અને 21 નવેમ્બરની મધરાત્રે સંતો દ્વારા પૂજન-અર્ચન કરીને કરવામાં આવનાર છે. જોકે, પરિક્રમાને હવે ગણતરીનો સમય જ બાકી છે. તે પહેલા લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ગેટ ન ખૂલતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જ્યાં જગ્યા મળી ત્યાં જ આસન જમાવી દઈને ઠેર ઠેર દેશી ચૂલા પ્રકટાવીને રોટલા-શાક અને ચા નાસ્તો બનાવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વાહનોનો ઘસારો વધતાં વાહન પાબંદીની શક્યતા

મજેવડી ગેઈટથી સોનાપુરી સ્મશાન, દામોદર કુંડ અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના પાર્કિંગ સુધી વાહનોની લાંબી કતારો અને માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જો શ્રદ્ધાળુઓનો વાહનોનો ઘસારો સાંજ સુધી યથાવત્ત રહે. જો તેનાથી ટ્રાફિક સમસ્યા ખોરવાય તો ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. જોકે, ઇમરજન્સી સેવાના વાહનોને પ્રવેશ આપવામાં આવશે.

ચા-નાસ્તા માટે શ્રદ્ધાળુઓની કતારો

ભવનાથ મંદિરથી લઈને તળેટીમાં તમામ આશ્રમો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો ધમધમતા કરી દેવાયા છે. અહીં જલેબી-ગાંઠિયા, મરચા અને ચાનો પ્રસાદ લેવા માટે દરેક ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. એક લાખથી વધુ ભાવિકોની ભીડ ઉમટતાં પોલીસ તંત્ર અને વન વિભાગના કર્મચારીઓને પરસેવો વળી ગયો તેવી સ્થિતિ સર્જાણી હતી.

એસટી વિભાગની પ્રશંસનીય કામગીરી

યાત્રિકોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી વિભાગે પણ સમયસૂચકતા દાખવી છે. અગાઉના આયોજન મુજબ પરિક્રમાના દિવસે સવારથી બસો શરૂ કરવાની હતી, પરંતુ બપોરથી જ ભવનાથ જવા માટે યાત્રિકોનો ધસારો વધતા એસટી વિભાગે એક દિવસ અગાઉથી જ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં સાંજ સુધીમાં એસટીની 70 ટ્રીપ મારફતે 6,000થી વધુ ભાવિકોએ સુરક્ષિત મુસાફરી કરી હતી.