Girnar Lili Parikrama 2026: લીલી પરિક્રમામાં દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર યાત્રિકો માટે ખાસ સુવિધા, વૃદ્ધોનું પણ થશે હેલ્થ ચેકઅપ

ગિરનાર લીલી પરિક્રમા 2026 માટે તંત્ર સજ્જ. દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે ખાસ વ્યવસ્થા, વૃદ્ધ યાત્રિકોનું પણ થશે હેલ્થ ચેકઅપ જાણો સમગ્ર માહિતી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 11:41 AM (IST)Updated: Thu, 19 Nov 2026 11:41 AM (IST)
girnar-lili-parikrama-2026-special-facilities-for-disabled-transgender-and-senior-citizens

Girnar Lili Parikrama 2026: અતિ પવિત્ર મનાતી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આવતી કાલ એટલે 20 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. જેને પગલે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં આ વર્ષે પાણીની તંગી હોવાને લીધે પાણીની વિશેષ સુવિધાઓ ગોઠવાઈ છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા દરમિયાન દિવ્યાંગજનો અને ટ્રાન્સજેન્ડર યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉપરાંત સિનિયર સિટીઝન્સ માટે ખાસ સુવિધાઓનું આયોજન કર્યું છે.

દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ સુવિધા

સ્વચ્છતા માટે મહાનગરપાલિકા દ્વારા 200 સફાઈ કામદારો અને 17 સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા 24 કલાક સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. આઠ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો, જેમાં દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ત્રણ મોબાઈલ ટોયલેટ, બે પે-એન્ડ-યુઝ તથા સમાજ અને વાડીનાં 2522 શૌચાલયો ઉપલબ્ધ રહેશે. કચરાના નિકાલ માટે પાંચ પિકઅપ વાન, એક જેસીબી, ત્રણ ટ્રેક્ટર અને એક ડમ્પર કાર્યરત રહેશે.

પાણી પુરવઠા વિભાગની વિશેષ કામગીરી

પાણી પુરવઠા બોર્ડ દ્વારા કુલ 33 બોર, 9 કૂવા, 7 હેન્ડપંપ અને 5,000 લિટરની 50 ટાંકીઓ મારફતે સતત પાણી પુરવઠો કરવામાં આવશે. આ માટે 28 પંપ અને 30 ડી.જી. સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ ઝોનમાં 16 કર્મચારીઓ મોનિટરિંગ કરશે, જ્યારે 11 કર્મચારીઓ સાથે 24 કલાક કંટ્રોલ રૂમ અને લેબોરેટરી દ્વારા પાણીનું નિયમિત ક્લોરિનેશન તથા પરીક્ષણ કરવામાં આવશે.

રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ અને પાર્કિંગ વિસ્તારનાં દબાણો દૂર કરી રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. 43 લાખ લિટરની ભૂગર્ભ સંપ, બે ઊંચી ટાંકી, 18 બોર અને 10 હેન્ડપંપ દ્વારા તા. 18 નવેમ્બરથી સતત પાણી પુરવઠો કરવામાં આવશે. ઉપરાંત 400થી વધુ એલઈડી ફ્લડ લાઈટ, છ ડી.જી. સેટ અને આઠ સ્થળોએ ફાયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળોએ ડ્રાઈવર, ફાયરમેન અને તરવૈયાઓ મળી કુલ 32 કર્મચારીઓ તૈનાત રહેશે. ફાયર ટેન્ડર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

11 કામચલાઉ દવાખાના કાર્યરત રહેશે

આરોગ્ય સેવાઓ અંતર્ગત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર 11 કામચલાઉ દવાખાનાં, આઠ વધારાની મેડિકલ ટીમ, છ સ્થળોએ એમ્બ્યુલન્સ અને બે મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત રહેશે. નાકોડા યુએચસી ખાતે વેન્ટિલેટર સહિતનું કામચલાઉ આઈ સી યુ કાર્યરત રહેશે. વૃદ્ધ યાત્રાળુઓનું બીપી અને હૃદય સંબંધિત સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 50 મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ તથા ટિંબાવાડી સીએચસી ખાતે દાખલ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.