Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની સુપ્રસિદ્ધ લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ 20 નવેમ્બર શુક્રવારની મધરાત્રે 12.00 કલાકે થવાનો છે. પરંતુ તે પહેલા જ ભવનાથ તળેટીમાં શ્રદ્ધાળુઓ ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પરિક્રમા શરુ થવાના 26 કલાક પહેલાં જ અંદાજે દોઢ લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પ્રવેશદ્વાર પાસે પડાવ નાખી દીધો છે. ભારે ભીડને જોતાં ભાવિકોને હવે તંત્ર પાસે વહેલો ગેટ ખોલવાની પ્રબળ માંગ કરી રહ્યા છે.
મજેવડી ગેટથી જ વાહનોની લાંબી કતારો
ગુરુવાર બપોરથી જ અમદાવાદ, સુરેન્દ્રનગર, સોમનાથ, પોરબંદર અને મહિસાગર સહિત રાજ્યના ખૂણેખૂણેથી યાત્રિકોનું ભવનાથમાં આગમન શરુ થઈ ગયું હતું. શ્રદ્ધળુઓના ધસારાને કારણે જૂનાગઢ શહેરના મજેવડી ગેટથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મોડી રાત સુધી પરિક્રમા ગેટ પાસે લાખો ભાવિકો ગેટ ખુલવાની રાહ જોઈને બેઠા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
ભૂખ્યા-તરસ્યા બેસવાની નોબત: ભાવિકોની વ્યથા
દર વર્ષે ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતા એક દિવસ વહેલો ગેટ ખોલી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે તંત્ર પરંપરા જાળવી રાખવા પર અડગ હોવાથી મોડી રાત સુધી ગેટ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. આ સ્થિતિમાં દૂર-દૂરથી આવેલા યાત્રિકોની હાલત કફોડી બની છે.
લાખો શ્રદ્ધાળુઓ પ્રવેશની રાહ જુએ છે
ભાવિકોનું કહેવું છે કે જો તેઓ જમવા કે અન્ય સુવિધા માટે ગેટ પાસેથી ખસે, તો ફરી ભારે ધક્કામુક્કી અને ઘસારાનો સામનો કરવો પડે તેમ છે. જેના કારણે તેઓ ભૂખ્યા-તરસ્યા ગેટ સામે જ મીટ માંડીને બેસી રહેવા મજબૂર બન્યા છે. હાલ તો લાખો શ્રદ્ધાળુઓ "જય ગિરનારી"ના નાદ સાથે ભવનાથના સાનિધ્યમાં પ્રવેશની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ભીડની ગંભીરતાને સમજીને વહેલો નિર્ણય લે છે કે પછી મધરાત સુધી રાહ જોવડાવે છે.
