Sondarda Bypass Road Accident: જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા સોંદરડા બાયપાસ રોડ પર આજે 9 માર્ચ, સોમવારની સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે રસ્તા પર જઈ રહેલા બાઈકને અડફેટે લીધું હતું. આ બનાવમાં મહારાષ્ટ્રના યાત્રાળુઓ સહિત 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સોંદરડા બાયપાસ રોડ પર અકસ્માત
આ પણ વાંચો
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર મુસાફરો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતા, અને તેઓ જૂનાગઢ ખાતે ગિરનારના દર્શન કરીને સોમનાથ તરફ દર્શનાર્થે જઈ રહ્યા હતા. બીજી તરફ અકસ્માતગ્રસ્ત બાઈક ચાલક પોતાની વાડી તરફ જઈ રહ્યા હતો. આ સમય દરમિયાન સોંદરડા બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો.
કારચાલકે એક બાઈકને મારી ટક્કર
સોંદરડા બાયપાસ પાસે સોમનાથ તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વાડીએ જઈ રહેલા એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કાર ચાલકના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કારમાં સવાર યાત્રિકો સહિત 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: પોલીસ ભરતીમાં નાપાસ થતાં યુવતીનો આપઘાત, પરિવારજનોની ગેરહાજરીમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી
મહારાષ્ટ્રના યાત્રાળુઓ સહિત 8 ઈજાગ્રસ્ત
યાત્રા પર નીકળેલા પરિવાર માટે આ પ્રવાસ અચાનક આફતમાં ફેરવાઇ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ તમામ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
લોહીલુહાણ હાલતમાં તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા, જેમાં બાઈક સવારની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. જોકે, પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.
