Keshod car accident: કેશોદના સાંદરડા GIDC વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે કાબૂ ગુમાવતા તે સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર દુકાનનું મજબૂત શટર તોડીને અંદર ઘૂસી ગઈ હતી.
સ્પીડોમીટર 140 પર અટકી ગયું
આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે લોકોએ કારની તપાસ કરી ત્યારે કારનું સ્પીડોમીટર 140 ની સ્પીડ પર અટકેલું જોવા મળ્યું હતું. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ચાલક કારને કેટલી ભયજનક ઝડપે ચલાવી રહ્યો હતો.
કારચાલકને દરવાજો તોડી બહાર કઢાયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારચાલક 140 ની સ્પીડે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો. કાર ધડાકાભેર લોખંડની દુકાન સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારનો દરવાજો જામ થઈ ગયો હતો, જેને તોડીને મહામહેનતે ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ ઘાયલ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મોટી જાનહાનિ ટળી, ઘટના CCTV કેમેરામાં કેદ
સદનસીબે, ઘટના બની ત્યારે દુકાન બંધ હતી અને રસ્તા પર કોઈ ટ્રાફિક કે લોકોની અવરજવર ન હતી. જેના કારણે એક મોટી જાનહાનિ થતા અટકી ગઈ છે. જો દુકાન ખુલ્લી હોત કે રસ્તા પર લોકો હોત તો મોટો અનર્થ સર્જાઈ શક્યો હોત. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને રૂંવાડા ઉભા થઈ જાય છે.
