Bhootdi village discrimination case: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં સામાજિક ભેદભાવની એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગામના રામજી મંદિરમાં આયોજિત પાટોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકોને અપમાનિત કરી પ્રસાદ લેતા અટકાવવામાં આવ્યા હોવાના આરોપસર પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શું છે જાતિગત ભેદભાવની સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રામજી મંદિરના પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનના આ પવિત્ર પ્રસંગમાં પણ જાતિપ્રથાનો કડવો અનુભવ જોવા મળ્યો હતો. આરોપ છે કે જ્યારે અનુસૂચિત જાતિના લોકો ભોજન સમારંભમાં પ્રસાદ લેવા પહોંચ્યા, ત્યારે ગામના 5 જેટલા શખ્સોએ તેઓને અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, તેઓને અન્ય લોકો સાથે પ્રસાદ લેવાની ના પાડી દઈને અલગ બેસાડવામાં આવ્યા હતા.
ઘરેથી વાસણ લાવવા મજબૂર કર્યાનો આક્ષેપ
આ ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે, આરોપીઓએ અનુસૂચિત જાતિના લોકોને પોતાના ઘરેથી જ જમવા માટે થાળી અને વાટકી લાવવા માટે મજબૂર કર્યા હતા. આ ઉપરાંત, અન્ય સમાજના તમામ લોકોએ જમી લીધા બાદ જ દલિત સમાજના લોકોને પીવાનું પાણી આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો: જૂનાગઢ: વિસાવદરના રતાંગમાં સાવજની પજવણી ભારે પડી! સિંહે બાળકી પાછળ દોટ મૂકતા શ્વાસ અધ્ધર
પોલીસ મથકમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ
ભગવાનના દરબારમાં પ્રસાદ લેવા બાબતે થયેલા આ ખુલ્લા ભેદભાવને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાથી અપમાનિત થયેલા પીડિત પરિવાર અને અનુસૂચિત જાતિના લોકો ન્યાયની માંગ સાથે સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ સમગ્ર મામલે ફરિયાદી અજયભાઈ ચતુરભાઈ બોરીચાએ બાબુભાઈ ઉકાભાઈ દુધાણી સહિત કુલ પાંચ લોકો સામે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પીડિત પરિવારે પોલીસ પાસે તાત્કાલિક મદદ અને ન્યાયની ગુહાર લગાવી છે. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ભેદભાવની ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
