Historic Wildlife Deal: પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારતી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વિશ્વની સૌથી મોટી વન્યજીવ સંરક્ષણ પહેલોમાંની એક એવી 'વનતારા' (Vantara) અને ઇન્ડોનેશિયાના વન મંત્રાલય વચ્ચે વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણ માટે ઐતિહાસિક ભાગીદારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભાગીદારી હેઠળ ઇન્ડોનેશિયાના અમૂલ્ય પ્રાકૃતિક વારસાને બચાવવા માટે વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરાશે.
બીમાર અને ઇજાગ્રસ્ત વન્યજીવો માટે 10 'મોબાઇલ હોસ્પિટલ્સ'
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ત્યાંના વન મંત્રી રાજા જુલી એન્ટોનીએ આ પ્રોગ્રામની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ભાગીદારી હેઠળ દેશના વન્યજીવોના સ્વાસ્થ્ય અને સ્થળ પર જ સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવવામાં આવશે.
આ સંયુક્ત પહેલના ભાગરૂપે દેશભરમાં રખડતા અને જંગલી પ્રાણીઓની તબીબી જરૂરિયાતો પૂરી કરવા માટે 10 'Hospitals on Wheels' (મોબાઇલ હોસ્પિટલ્સ) શરૂ કરવામાં આવશે, જે મુશ્કેલ સીમ વિસ્તારોમાં જઈને વન્યજીવોને તાત્કાલિક સારવાર પૂરી પાડશે.
વે કેમ્બાસ એલિફન્ટ હોસ્પિટલ બનશે વિશ્વસ્તરીય કેર સેન્ટર
આ પ્રોગ્રામ હેઠળ ઇન્ડોનેશિયાની પ્રખ્યાત 'વે કેમ્બાસ એલિફન્ટ હોસ્પિટલ' (Way Kambas Elephant Hospital) ને અત્યંત આધુનિક સાધનો, મશીનરી અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરીને 'એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર સેન્ટર' માં રૂપાંતરિત કરવામાં આવશે.
આ અદ્યતન હોસ્પિટલ માનવ સંભાળ હેઠળ જીવી રહેલા 62 સુમાત્રન હાથીઓ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં મુક્ત રીતે વિહરતા આશરે 100 જેટલા જંગલી સુમાત્રન હાથીઓની સારવાર અને વિશેષ કાળજી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
તાલીમ અને સ્થાનિક ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર
વનતારા અને ઇન્ડોનેશિયાના પ્રતિષ્ઠિત 'પીટી ફૌના લેન્ડ ગ્રુપ' (PT Fauna Land Group) ના સહયોગથી શરૂ થનારા આ અભિયાન અંતર્ગત હાથીઓની દેખરેખ રાખનારાઓ (મહાવતો), સ્થાનિક પશુચિકિત્સકો અને વન્યજીવ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વન વિભાગના સરકારી અધિકારીઓ માટે ખાસ તાલીમ કાર્યક્રમો યોજાશે. આનાથી સ્થાનિક સ્તરે વન્યજીવોની સારવાર માટે અત્યંત કુશળ અને સક્ષમ ટીમ તૈયાર થશે.
તમામ સુવિધાઓનું સંચાલન ઇન્ડોનેશિયા સરકાર હસ્તક રહેશે
ઇન્ડોનેશિયાના વન મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, વન્યજીવોનું સંરક્ષણ એ આપણી અંતિમ જવાબદારી છે. વનતારાના ઊંડા અનુભવ, વેટરનરી કુશળતા અને સંસાધનોના સહયોગથી અમે આ માળખાને મજબૂત કરી રહ્યા છીએ. આ સહકાર હેઠળ ઊભી થનારી તમામ હોસ્પિટલો અને તાલીમ કાર્યક્રમોની માલિકી તથા સંચાલન સંપૂર્ણપણે ઇન્ડોનેશિયા સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ હસ્તક જ રહેશે, જેથી તે દેશની જરૂરિયાતોને વર્ષો સુધી પૂરી પાડી શકે.
જામનગરથી વૈશ્વિક સ્તરે વિસ્તર્યું વનતારાનું કાર્યક્ષેત્ર
આ પ્રસંગે વનતારાના CEO વિવાન કરાણીએ જણાવ્યું કે, ભારતની 'સાઇટ્સ' (CITES) મેનેજમેન્ટ ઓથોરિટી પ્રત્યેની અમારી સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓ અને તાજેતરમાં જાહેર કરાયેલા અમારા પાંચ વર્ષીય પ્લાન (Five-Year Plan) ને અનુરૂપ આ ભાગીદારી કરવામાં આવી છે.
જામનગરની સુવિધા ખાતે પશુચિકિત્સા, વન્યજીવ સંભાળ અને પુનર્વસન ક્ષેત્રે મેળવેલી અમારી વૈશ્વિક કક્ષાની કુશળતાને ઇન્ડોનેશિયા સાથે શેર કરીને ગ્રાઉન્ડ લેવલ પર કાયમી અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કટિબદ્ધ છીએ. ફૌના લેન્ડના સીઈઓ ડેની ગુનાલેને પણ આ આયોજનથી પશુઓ અને વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત લોકોને મોટો સપોર્ટ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ આખી વ્યાપક ભાગીદારી બંને પક્ષો વચ્ચે થયેલા અગાઉના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) ના માળખા અંતર્ગત વન્યજીવોના કલ્યાણ, સંવર્ધન અને પુનઃ વસવાટ (Re Wilding)ના ચોક્કસ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને અમલી બનાવવામાં આવી છે.
