સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને કરાયો અલૌકિક શિવસ્વરૂપ શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા

સાળંગપુરધામમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને હિમાલય થીમ પર આધારિત અદભુત શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ આખો શ્રાવણ માસ ચાલશે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 03:40 PM (IST)Updated: Mon, 24 Aug 2026 03:40 PM (IST)
salangpur-kashtbhanjan-dev-hanumanji-decorated-in-divine-shiva-swaroop

Salangpur Kashtbhanjan Dev Hanumanji: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં ભક્તિનો અનન્ય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત વિવિધ દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવના ભાગરૂપે સોમવાર, તારીખ 24-08-2026 ના રોજ દાદાના ગર્ભગૃહમાં હિમાલય થીમ પર આધારિત અદભુત શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દાદાના ગર્ભગૃહમાં હિમાલયની દિવ્ય અનુભૂતિ

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ હનુમાનજી દાદાને એક અનોખા શિવજીના રૂપમાં સજાવવામાં આવ્યા હતા.

દાદાને શિવસ્વરૂપ આપવા માટે રુદ્રાક્ષની દિવ્ય માળાઓ ધારણ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વાઘામ્બર અને મસ્તક પર અર્ધચંદ્ર સજાવીને અત્યંત નયનરમ્ય અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

સોમવારે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની ભવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી. આ અદ્ભુત અને અનેરા દર્શનનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે લાખો ભક્તોએ ઓનલાઈન માધ્યમથી પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ઉત્સવોની વણઝાર

સાળંગપુરધામમાં તારીખ 13-08-2026 થી શરૂ થયેલો આ ભક્તિ મહોત્સવ આગામી તારીખ 11-09-2026 સુધી એટલે કે આખો શ્રાવણ મહિનો ધામધૂમથી ચાલશે. આ સમગ્ર માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ શિવપૂજન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દરરોજ નિતનવા આયોજનો કરવામાં આવ્યા છે:


દર સોમવારે: દાદાને શિવસ્વરૂપનો દિવ્ય વિશેષ શણગાર
દર મંગળવારે: સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન
દર શનિવારે: દાદા સમક્ષ અન્નકૂટના દર્શન, જેમાં ક્રમશઃ ફ્રુટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ અને ડ્રાયફ્રૂટ મીઠાઈના અન્નકૂટનો સમાવેશ થાય છે
દર રવિવારે: સાંજે 4:45 કલાકે દાદાનું પરંપરાગત રાજોપચાર પૂજન અને ત્યારબાદ ભવ્ય મહાસંધ્યા આરતી

આ સાથે જ આખા મહિના દરમિયાન દૈનિક મારુતિ યજ્ઞ પણ ચાલશે. શ્રીહરિ મંદિરમાં સુંદર અને દિવ્ય હિંડોળાના દર્શનની સાથે હરિભક્તો માટે જ્ઞાનસભર સત્સંગ કથાનું પણ આયોજન કરાયું છે.

શ્રાવણ માસ દરમિયાન આવનારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની પણ અહીં ખૂબ જ ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.