પાલનપુર આંતરજ્ઞાતિય લગ્નનો મામલોઃ SPGની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત, લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અને 'મૈત્રી કરાર' નાબુદ કરવાની માંગ

પાલનપુર પ્રકરણ બાદ SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી લગ્ન નોંધણી કાયદામાં સુધારા અને 'મૈત્રી કરાર' રદ કરવાની માંગ કરી છે. આ રજૂઆતનો હેતુ સાચા પીડિતોને રક્ષણ આપવાનો અને કાયદાના દુરુપયોગને અટકાવવાનો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 03:32 PM (IST)Updated: Mon, 24 Aug 2026 03:32 PM (IST)
spg-chief-lalji-patel-demands-mandatory-parental-consent-in-marriage-registration-law-after-palanpur-incident
Lalji-Patel-SPG-1786526608645.webp

Marriage Registration Law: પાલનપુર ખાતે પાટીદાર સમાજની દીકરીના પ્રકરણમાં તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને ગંભીર કાયદાકીય કલમોના ઉપયોગને પગલે સમાજમાં વ્યાપક ચર્ચા અને વિવાદો ઊભા થયા છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને મહેસાણા મુખ્ય મથક ધરાવતા સરદાર પટેલ ગ્રુપ (SPG)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કડક રજૂઆત કરી છે. તેમણે પાલનપુર પ્રકરણમાં નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારા કરવાની પણ અપીલ કરી છે.

સાચા પીડિતને રક્ષણ મળે, નિર્દોષો સામે કાયદાનો દુરુપયોગ ન થાય

મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં લાલજી પટેલે જણાવ્યું છે કે, સાચા પીડિતને સંપૂર્ણ કાયદાકીય રક્ષણ મળવું જ જોઈએ, પરંતુ તેની સામે કોઈ નિર્દોષ વ્યક્તિ વિરુદ્ધ કાયદાનો દુરુપયોગ થાય તે કદાપિ સ્વીકારી શકાય નહીં. તેથી પાલનપુર પ્રકરણની કોઈ પણ પૂર્વગ્રહ વગર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવામાં આવે અને વાસ્તવિક હકીકતો તથા પુરાવાના આધારે જ આગળની વહીવટી કાર્યવાહી કરવામાં આવે તેવી સંસ્થાની સ્પષ્ટ માંગ છે.

ભાગેડુ લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણી કાયદામાં સુધારા કરવા સૂચન

ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે એસપીજી (SPG) દ્વારા કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે:

લગ્ન નોંધણી કરાવતા પહેલાં બંને પક્ષની સાચી ઓળખ, ઉંમર, વાસ્તવિક રહેઠાણ અને સ્વતંત્ર સંમતિની કાયદેસર અને ફરજિયાત ચકાસણી કરવામાં આવે.

માત્ર કાગળ પર ઊભા કરાયેલા ખોટા સરનામાં અને પુરાવાઓના આધારે થતી કાયદાકીય નોંધણીઓને તાત્કાલિક અટકાવવામાં આવે.

ભાગેડુ કે છુપાઈને થતા લગ્નો અને તેના કારણે ઉદ્ભવતા કાયદાકીય દુરુપયોગને રોકવા માટે કડક વ્યવસ્થા અને ફરજિયાત કાઉન્સેલિંગની જોગવાઈ અમલી બને.

‘મૈત્રી કરાર’ ની જોગવાઈ નાબૂદ કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરવા માંગ

પત્રમાં વિશેષ ભાર મૂકીને જણાવાયું છે કે, સમાજમાં ‘મૈત્રી કરાર’ ના પ્રાવધાનોનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે. આ દુરુપયોગને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તેની તાત્કાલિક કાયદાકીય સમીક્ષા કરવામાં આવે અને જરૂર જણાય તો આ જોગવાઈને સંપૂર્ણપણે રદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત ભલામણ મોકલવામાં આવે.

લાલજીભાઈ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, આ રજૂઆત કોઈ ચોક્કસ જ્ઞાતિ, સમાજ કે વ્યક્તિ વિશેષના વિરોધમાં નથી. આ માંગનો મુખ્ય હેતુ કાયદા દ્વારા સાચા પીડિતોની રક્ષા કરવાનો, નિર્દોષોને ખોટી કાનૂની કાર્યવાહીથી બચાવવાનો અને લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે.

પાટીદાર યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ ડૉ. સ્મિત પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા

હકીકતમાં પાટીદાર સમાજમાંથી આવતી પાલનપુરની ડૉ. ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડૉ. સ્મિત પરમાર સાથે લગ્ન કર્યાં હતા. જેને પગલે નારાજ પરિવારજનો ગત 18 ઓગસ્ટે મહેસાણાની શિવવાટિકા સોસાયટીમાં રહેતા ડૉ. સ્મિત પરમારના ઘરે પોતાની દીકરીને સમજાવીને પરત લેવા ગયા હતા. જ્યાં બન્ને પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ પટેલ પરિવારના સભ્યો ડૉ. ચાંદનીને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા.

આ મામલે ડો. સ્મિત પરમારની માતાએ પુત્રવધુના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ સમયે ખેંચતાણ દરમિયાન ડૉ. ચાંદની પટેલના માતા નીતાબેન નીચે પડી જતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

જો કે પોલીસ નીતાબેનની ક્રોસ ફરિયાદ ના નોંધતા નારાજ પાટીદાર સમાજના આગેવાનોએ મોડી રાત સુધી એ-ડિવિઝન પોલીસ મથક માથે લીધુ હતુ. જેમાં નીતાબેન સાથે થયેલી મારઝૂડ અંગે ડૉ. સ્મિત પરમારના પરિવારજનો સામે કાર્યવાહીની માંગ કરવા મુદ્દે ધરણા કર્યા હતા. આખરે પોલીસે નીતાબેનની ફરિયાદ નોંધી હતી.