SPG Mahasammelan: દીકરીઓની સુરક્ષા મુદ્દે હવે આરપારની લડતના સંકેત, વિજાપુર ખાતે SPG યોજશે મહાસંમેલન

ટૂંક સમયમાં વિજાપુર ખાતે જ રાજ્યકક્ષાનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 21 Jul 2026 11:50 AM (IST)Updated: Tue, 21 Jul 2026 11:50 AM (IST)
vijapur-spg-mahasammelan-women-safety-marriage-law-reform-by-lalji-patel
SPG Mahasammelan Vijapur

SPG Mahasammelan Vijapur: વિજાપુરમાં સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સમક્ષ દીકરીઓની સુરક્ષા અને સામાજિક કાયદાઓમાં સુધારાની માંગ સાથે સામાજિક પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવવા માટે ટૂંક સમયમાં વિજાપુર ખાતે જ રાજ્યકક્ષાનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય સામાજિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

આ બેઠકમાં મુખ્યત્વે લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારા, ભાગેડુ લગ્ન પર નિયંત્રણ અને પરિવાર વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા મૈત્રી કરાર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. SPG આગેવાનોએ જણાવ્યું કે, આ ગંભીર મુદ્દાઓ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. હવે સમાજને માત્ર આશ્વાસન નહીં, પરંતુ કડક કાયદાકીય અમલવારીની જરૂર છે.

કાયદાકીય સુધારાની 3 મુખ્ય માંગણી 

સંસ્થા દ્વારા સરકાર સમક્ષ મુખ્યત્વે નીચે મુજબની ત્રણ માંગણીઓ મૂકવામાં આવી: 

  1. લગ્ન નોંધણી કાયદામાં કડક સુધારા કરવામાં આવે.
  2. ભાગેડુ લગ્ન સામે અસરકારક કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકાય.
  3. મૈત્રી કરાર સંબંધિત કાયદાની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી થાય.

'સુરક્ષા કવચ' યોજના અને જનજાગૃતિ

દીકરીઓની સુરક્ષા માટે માત્ર કાયદા જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ મજબૂત નીતિ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત SPG ની 1200 રૂપિયાની 'સુરક્ષા કવચ' યોજનાને સમગ્ર ગુજરાત રાજ્યમાં મજબૂતીથી અમલમાં મૂકવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ યોજના અને સામાજિક કાયદાઓ અંગે વધુમાં વધુ પરિવારો સુધી પહોંચવા માટે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

વિજાપુરમાં યોજાનારા આ આગામી મહાસંમેલનમાં રાજ્યભરમાંથી સામાજિક અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.