Jamnagar Train Track Sabotage: જામનગર નજીક લાલપુર અને કાનાલુસ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મૂકીને મોટી દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ઇસમ દ્વારા રેલવે ટ્રેક પર અંદાજે દોઢથી બે ફૂટ જેટલો પાટાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે પોરબંદરથી કાનાલુસ તરફ જઈ રહેલી લોકલ ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાને કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, તા. 13 ઓક્ટોબર, 2026ના રોજ ટ્રેન નંબર 59205 પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેન લાલપુરથી કાનાલુસ રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. આ દરમિયાન રેલવે કિલોમીટર નંબર 883/8-9 પાસે અજાણ્યા ઇસમે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મૂકી દીધો હતો. ટ્રેનના ડ્રાઇવરની નજર આ ટુકડા પર પડતાં તેમણે તાત્કાલિક લોકલ ટ્રેન રોકી દીધી હતી.
આ પણ વાંચો
જે બાદ ટ્રેનના ડ્રાઇવરે રેલવે ટ્રેક પર પડેલો પાટાનો ટુકડો દૂર કર્યો હતો અને ત્યાર પછી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. જામનગર રેલવે પોલીસ સ્ટેશનના અહેવાલમાં જણાવ્યા મુજબ, આ ઘટનામાં રેલવેને કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન થયું નહોતું.
આ બનાવ અંગે ટ્રેનના ડ્રાઇવરે ખંભાળિયા આઉટપોસ્ટને જાણ કરી હતી. આ બાબતની જાણ મળતાં ખંભાળિયા આઉટપોસ્ટના ASI ભીમશીભાઈ રામભાઈ બનાવસ્થળે જવા રવાના થયા હતા.
રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો કોણે અને કયા ઇરાદાથી મૂક્યો હતો તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ અને જવાબદાર વ્યક્તિ અંગેની વિગતો આગળની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
નોંધનીય છે કે, રેલવે ટ્રેક પર આ પ્રકારની વસ્તુ મૂકવી ગંભીર બાબત છે અને તે મુસાફરોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, હાલના અહેવાલ મુજબ ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાને કારણે ટ્રેન રોકવામાં આવી હતી અને કોઈ નુકસાન થયું નહોતું.
