Vadodara Navratri Festival 2026: ચોથા નોરતે ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીની ઉપસ્થિતિમાં જામી ગરબાની રમઝટ, ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2026ના ચોથા નોરતે ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીની ઉપસ્થિતિમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નગરજનોએ માતાજીની ભક્તિમાં લીન થઈને અવિસ્મરણીય રાત્રિનો આનંદ માણ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Oct 2026 04:28 PM (IST)Updated: Thu, 15 Oct 2026 04:28 PM (IST)
vadodara-navratri-festival-2026-actor-mitra-gadhvi-attends-night-4-as-garba-enthusiasm-soars

Vadodara Navratri Festival 2026: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે નવરાત્રી પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ગરબાઓની રમઝટ અને માતાજીની આરાધનાથી આખું શહેર ભક્તિમય બની ગયું છે. વડોદરાના સૌથી મોટા અને આકર્ષક ગણાતા 'વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ' (VNF) 2026માં ચોથા નોરતે ખેલૈયાઓનો અદ્દભૂત ઉત્સાહ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માઁ અંબાની ભક્તિમાં લીન થઈને નગરજનો મન મૂકીને ઝૂમ્યા હતા.

ચોથા નોરતાના પાવન અવસરે VNF ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયા-ધોતિયા જેવા આકર્ષક પરિધાનમાં સજ્જ થઈને આવેલા યુવા અને વૃદ્ધ ખેલૈયાઓએ મધરાત સુધી મડીયારો જમાવ્યો હતો. ઢોલ-નગારાના તાલે અને સુરીલા ગરબાના ગીતો પર થનગનાટ કરતા ખેલૈયાઓએ સમગ્ર વાતાવરણને ગરબામય બનાવી દીધું હતું.

આ ભવ્ય આયોજનમાં વિશેષ આકર્ષણ તરીકે ગુજરાતી ફિલ્મોના યુવા અભિનેતા મિત્ર ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સહજ સ્વભાવ અને અંદાજ માટે જાણીતા મિત્ર ગઢવીને ગ્રાઉન્ડ પર નિહાળીને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. ચાહકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અભિનેતાએ પણ વડોદરાવાસીઓના આ પ્રેમનો સ્વીકાર કરી સ્ટેજ પરથી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ગરબાના તાલે ઝૂમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે વડોદરાની નવરાત્રીના વખાણ કરતા જણાવ્યું હતું કે, અહીંનો માહોલ અને ખેલૈયાઓની ઉર્જા ખરેખર અદ્વિતીય છે.

નવરાત્રીના આ ચોથા નોરતે વીએનએફ ખાતે ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી હતી. કલાકારની હાજરી અને ગરબાની રમઝટે આ રાત્રિને વડોદરાવાસીઓ માટે અવિસ્મરણીય બનાવી દીધી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉત્તમ વ્યવસ્થાપન વચ્ચે સૌએ સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રી પર્વની મોજ માણી હતી.

મિત્રા ગઢવીએ જણાવ્યું કે, VNFમાં આ મારું 10મું વર્ષ છે. હું દરવર્ષે એકવાર તો વીએનએફમાં આરતી કરવા તો અચૂક આવું જ છું. અગાઉ મારી ફિલ્મ 'છેલ્લો દિવસ'નું પ્રમોશન પણ અમે અહીં જ કર્યું હતુ. નવરાત્રીમાં એક દિવસ એવો ચોક્કસ હોય, જ્યારે હું અહીં આવું અને માતાજીની આરતી કરું.

ખાસ વાત એ છે કે, આ મારું પોતાનું શહેર છે. હું આજ ગ્રાઉન્ડમાં નાનપણથી ગરબા રમીને મોટો થયો છું. આજે ગ્રાઉન્ડમાં તમને કોઈ પેન્ટ-શર્ટમાં નહીં દેખાય, સૌ કોઈ ટ્રેડિશનલ પરિધાનમાં જ જોવા મળશે. આજ આપણી સુંદરતા છે.