Ahmedabad: આજના ડિજિટલ યુગમાં વિજ્ઞાન આટલું આગળ વધ્યુ હોવા છતાં સમાજમાં અંધશ્રદ્ધાની પકડ હજુ પણ યથાવત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના કુબેરનગરમાં એક શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં લંપટ ભુવાએ વિધિના બહાને પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી છે.
આર્થિક પરિસ્થિતિથી તંગ પરિણીતાને કામાંધ ભુવો ભટકાયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહતી. તેમજ તેના સાસુ પણ ઘણાં સમયથી બીમાર રહેતા હતા. આથી પોતાની સમસ્યા દૂર કરવા માટે પરિણીતાએ મેલડી માતાના ભુવા તરીકે ઓળખાતા દિપક પરમારનો સંપર્ક સાધ્યો હતો.
ગત 3 ઓક્ટોબરે દિપક પરમાર પરિણીતાના ઘરે આવ્યો હતો. જ્યાં તેણે દાણાં નાંખીને બહારનું દુઃખ હોવાથી એકલામાં વિધિ કરવી પડશે, કહીને પરિણીતાને ઉપરના માળે લઈ ગયો હતો. જ્યાં પરિણીતાને પલંગ પર બેસાડીને વિધિના બહાને અડપલા કર્યાં હતા.
મેલી વિદ્યાથી બરબાદ કરી નાંખવાની ધમકી આપીને આબરું લૂંટી
આટલેથી ના અટકતાં ભુવાએ રૂ. 25 હજારમાં નદીએ સ્નાન કરાવવાની વિધિ કરવાનું કહ્યું હતુ. આ વિધિ આખરે રૂ. 17 હજારમાં કરાવી આપવાનું નક્કી થયું હતુ. જે બાદ ભુવાએ પતિ-પત્નીને નદી કિનારે સ્નાન કરાવીને વિધિ કરી હતી.
આ વિધિ બાદ ભુવો દંપતીને ઉપરના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં પતિને લીંબુ પકડાવીને ચાર રસ્તે મૂકી આવવા માટે રવાના કરી દીધો હતો. જે બાદ પરિણીતાની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતુ. જો કે પરિણીતાએ ઈનકાર કરતાં ભુવાએ મેલી વિદ્યાથી બરબાદ કરી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતુ.
પીડિતાએ બદનામીની બીકે પહેલા કોઈને નહતી કરી અને સામાજિક સ્તરે ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિકાલ ના આવતા આખરે પતિએ હિંમત આપતા સમગ્ર મામલે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ભુવા દિપક પરમાર વિરુદ્ધ છેડતી, દુષ્કર્મ, છેતરપિંડી અને ધમકી આપવા સહિતની કલમો હેઠલ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
