Ahmedabad News: અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરિત મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ કવાર્ટ્સને હવે નવો ઓપ મળશે. રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ યોજના-2016 હેઠળ અમદાવાદના ચાર ઝોનમાં કુલ 3,017 આવાસ અને 12 દુકાનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે, આ સમગ્ર કામગીરી અંદાજે રુ. 330 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
જર્જરીત ક્વાર્ટ્સની જગ્યાએ આધુનિક સુવિધા
અમદાવાદ મહાનગરપાલિકાના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, અલગ અલગ વોર્ડમાં અગાઉ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ માટે ક્વાર્ટ્સ બનાવવામાં આવ્યા હતા. સમય જતાં આ મકાનો જર્જરિત અને બિસ્માર હાલતમાં થઈ ગયા છે. રહેવાસીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને સરકારની હાઉસિંગ પોલિસી-2016 અંતર્ગત તેનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કયા ઝોનમાં બનશે આવાસ
આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મધ્ય, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જમાલપુર, શાહપુર, અસારવા, ગોમતીપુર, વિરાટનગર, બાપુનગર, સરસપુર-રખિયાલ અને વટવા જેવા વિસ્તારોને આવરી લેવાયા છે. આ યોજના હેઠળ મધ્ય ઝોનમાં સૌથી વધુ 1473 આવાસનું રિડેવલપમેન્ટ થશે. જ્યારે દક્ષિણ ઝોનના વટવામાં 160 આવાસની સાથે સાથે 12 દુકાનોનો પણ સમાવેશ થાય છે.
ઝોન | સમાવિષ્ટ વોર્ડ | કુલ આવાસ | કુલ અંદાજિત રકમ (₹) |
|---|---|---|---|
મધ્ય | જમાલપુર, શાહપુર, અસારવા | 1,473 | 1,62,19,05,657 |
પૂર્વ | ગોમતીપુર, વિરાટનગર | 699 | 99,59,02,906 |
ઉત્તર | બાપુનગર, સરસપુર-રખિયાલ | 685 | 51,38,58,834 |
દક્ષિણ | વટવા | 160 (12 દુકાન) | 16,92,06,155 |
