ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ! જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાની બમ્પર બોણી, જાણો ભાવ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનના સૂકા મરચાની પ્રથમ આવક શરૂ થઈ છે, જેનાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 14 Oct 2026 02:08 PM (IST)Updated: Wed, 14 Oct 2026 02:08 PM (IST)
jamnagar-hapa-yard-dry-red-chilli-auction-bumper-opening-price-9100-rupees

Jamnagar Hapa Marketing Yard: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનના સૂકા મરચાની પ્રથમ આવક શરૂ થતાં જ ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સિઝનની શરૂઆતમાં જ મરચાના સારા ભાવ મળતાં આગામી દિવસોમાં મરચાની આવક વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મરચાના ઊંચા ભાવથી ખેડૂતોમાં ઉત્સાહ

હાપા માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ તાલુકાના પરષોત્તમભાઈ નામના ખેડૂત દ્વારા પ્રથમ તબક્કામાં 15 ભારી સૂકા મરચાની આવક નોંધાવવામાં આવી હતી. હરાજી દરમિયાન મરચાની ગુણવત્તાના આધારે અલગ-અલગ ભાવ મળ્યા હતા. જેમાં છ ભારી મરચાં રૂ. 8,100 પ્રતિ મણના ભાવે વેચાયાં હતાં, જ્યારે સારી ગુણવત્તા ધરાવતાં બે ભારી મરચાં રૂ. 9,100 પ્રતિ મણના ઊંચા ભાવે વેચાયાં હતાં. અહીં એક મણનો વજન 20 કિલો ગણવામાં આવે છે.

મરચાની ગુણવત્તા પ્રમાણે ભાવ મળ્યા

સિઝનની શરૂઆતમાં જ મરચાના મળેલા આ ભાવને સારા અને ઉત્સાહવર્ધક ગણવામાં આવી રહ્યા છે. શરૂઆતની આ આવક અને ભાવને ખેતીવાડી બજારની ભાષામાં ‘બોણીના ભાવ’ તરીકે પણ જોવામાં આવે છે. મરચાની ગુણવત્તા પ્રમાણે ભાવ મળતાં ખેડૂતોને આગામી દિવસોમાં પણ સારા ભાવ મળવાની આશા બંધાઈ છે.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, હાલ મરચાની આવક પ્રારંભિક તબક્કામાં છે. યાર્ડમાં મરચાની આવક સંપૂર્ણપણે સામાન્ય થવામાં હજુ અંદાજે 10થી 15 દિવસનો સમય લાગી શકે છે. ત્યારબાદ રોજિંદી આવકમાં ક્રમશઃ વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.