Jamnagar Hapa Market Yard: સૌરાષ્ટ્રના અગ્રણી એવા જામનગરના હાપા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ખાતે ચોમાસું પાકની આવકનો સિલસિલો વેગ પકડી રહ્યો છે. હાપા યાર્ડમાં નવી સિઝનના ચોમાસુંતલની આવકનો વિધિવત પ્રારંભ થયો છે. જસાપર ગામના ખેડૂત દ્વારા લાવવામાં આવેલા નવા તલના મુહૂર્તના ઊંચા ભાવ બોલાતા ખેડૂત આલમમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
પ્રથમ જ દિવસે ઊંચો ₹2,251 ભાવ બોલાયો
મળતી વિગતો અનુસાર, જામનગર પંથકના જસાપર ગામના ખેડૂત જેઠાભાઈ રાયદે પોતાના ખેતરમાં તૈયાર થયેલા નવા ચોમાસુ તલનો જથ્થો લઈને હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. યાર્ડમાં ખુલ્લી હરાજી દરમિયાન વેપારીઓ વચ્ચે સ્પર્ધામાં આ નવા તલનો પ્રતિ 20 કિલો માટે રૂપિયા 2,251 ભાવ બોલાયો હતો. સિઝનની શરૂઆતમાં જ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
વેપાર શરૂ, આગામી દિવસોમાં આવક વધશે
હાપા યાર્ડમાં પ્રથમ તલની આવક થતાં જ નવી સિઝનના વેપારના શ્રી ગણેશ થયા છે. માર્કેટ યાર્ડના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રમાં તલનું સારું વાવેતર થયું હોવાથી અને પાક પણ અનુકૂળ રહેતા આગામી દિવસોમાં હાપા યાર્ડમાં ચોમાસું તલની દૈનિક આવકમાં મોટો વધારો થવાની પૂરી શક્યતા છે.
