Jamnagar News: જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાં તળાયેલી ગરોળી મળી આવ્યાની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. ગ્રાહકની ફરિયાદ બાદ મનપાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખરાબ તેલ અને સ્વચ્છતાની ક્ષતિઓ સામે આવતાં પેઢીને 3 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે. અગાઉ રૂ. 5 હજારનો દંડ ફટકારવા છતાં સુધારો ન થયાનું ફૂડ અધિકારીએ જણાવ્યું છે.
અડધુ ચવાણું ખાધા બાદ ગરોળી નીકળી
આ પણ વાંચો
પ્રાપ્ત મહિતી અનુસાર, જામનગરમાં નાગનાથ ગેટ પાસે સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ આવેલું છે. એક પરિવારે ત્યાંથી ચવાણું લીધું હતું. અડધું ચવાણું ખાધા બાદ પેકેટમાં ગરોળી દેખાઇ હતી. જે અંગે ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે મહાનગરપાલિકાની ફૂડ શાખા વિભાગની ટીમ દ્વારા સુરેશ ફરસાણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રસોડામાંથી ખરાબ તેલ મળી આવ્યું હતું.
3 દિવસ દુકાન બંધ રાખવા સૂચના
ફૂડ શાખાની ટીમ દ્વારા ખાદ્યચીજો અને તેલના નમૂના લેવામાં આવ્યા હતા. રસોડાની બારીઓ પર જાળી લગાવવા સૂચના આપવામાં આવી હતી. અગાઉ પણ મનપાના ફૂડ શાખા વિભાગે 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોવા છતાં પણ કોઇ સુધારો થયો ન હતો. જેના પગલે મનપાની ફૂડ શાખા દ્વારા દૂકાન 3 દિવસ બંધ રાખવા જણાવ્યું છે. જરૂરી સુધારા ને મંજૂરી બાદ જ દુકાન ખોલી શકાશે.
