Jamnagar News: જામનગર શહેરમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલ સુરેશ ફરસાણ એન્ડ સ્વિટ્સ નામની દુકાનમાંથી એક ગ્રાહકે ચવાણુંનું પેકેટ ખરીદ્યું હતું. જેમાં તળેલી ગરોળી નીકળવાની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
સુરેશ ફરસાણના ચવાણાંથી ગરોળી નીકળી
મળતી વિગત અનુસાર, નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સમાંથી એક ગ્રાહક ચવાણું લઈને ઘરે લઈ ગયો હતો. જ્યારે ગ્રાહકે અડધું ચવાણું ખાધુ તો તે એકાએક ચોંકી ગયો હતો. તેણે જોયું કે, ચવાણાના પેકેટમાંથી તળેલી ગરોળી મળી હતી. આ અંગે ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ આધારે ફૂડ શાખાએ કાર્યવાહી કરી
ફરિયાદને આધારે ફૂડ શાખાની ટીમે ત્વરિત પગલાં લીધા હતા અને ફરસાણની દુકાન પર તપાસ કરી હતી. જેમાં ફૂડ શાખાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, રસોડામાં તપાસ દરમિયાન ખરાબ તેલ મળ્યું હતું. જ્યારે સ્વચ્છતાને લઈને ક્ષતિઓ જણાઈ હતી. ફૂડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થો અને તેલના નમૂના લેવાયા હતા. ઉપરાંત રસોડાની બારીઓમાં જાળી લગાવવાની સૂચના આપવામાં આવી હતી.
ત્રણ દિવસ દુકાન બંધ કરાવવામાં આવી
ઉલ્લેખનીય એ છે કે, અગાઉ પણ પેઢીને રુ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ સુધારો ન થયો હોવાનું સામે આવ્યું છે. હાલ મનપાની ફૂડ શાખાએ દુકાનને ત્રણ દિવસ બંધ કરાવવામાં આવી છે ઉપરાંત જરુરી સુધારાઓ અને મંજૂરી બાદ જ દુકાન ખોલી શકાશે.
