જામનગરમાં ACBનો સપાટો: અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

જામનગરમાં ACBએ અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરીયાને રૂ. 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. તેમણે ઇન્કમટેક્સ એસેસમેન્ટ ફરીથી ઓપન ન કરવા માટે આ લાંચ માંગી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 06:28 PM (IST)Updated: Sun, 22 Nov 2026 06:28 PM (IST)
jamnagar-acb-trap-assistant-audit-officer-from-ahmedabad-caught-red-handed-taking-rs-8-lakh-bribe

Jamnagar: ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર-રાજકોટ હાઇવે પર ત્રિ-મંદિર જવાના સાઇનબોર્ડ પાસે ઇન્કમટેક્સ ઓફિસ નજીક ગોઠવાયેલા છટકામાં અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

ACBના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ વિનસકુમાર અમરચંદ સાવરીયા (44) તરીકે થઈ છે. તેઓ અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO), ક્લાસ-બી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

ઈન્કમટેક્સ એસેસમેન્ટ ઑડિટ માટે ઓપન ના કરવા લાંચ માંગી

આ કેસની વિગત મુજબ, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટને ઓડિટ માટે ફરીથી ઓપન ન કરવાની બાબતના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જામનગર ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

22 નવેમ્બર, 2026ના રોજ જામનગર-રાજકોટ હાઇવે પર ત્રીમંદિર જવાના સાઇનબોર્ડ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં આરોપીની કારમાં જ છટકાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી અને ત્યારબાદ લાંચની રકમ સ્વીકારી હતી.

આજ સમયે ACBની ટીમે દરોડો પાડી આરોપીને રૂ.8 લાખની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો હતો.આ સમગ્ર ટ્રેપમાં માંગવામાં આવેલી રૂ.8 લાખ, સ્વીકારેલી રૂ.8 લાખ અને રિકવર કરવામાં આવેલી રૂ.8 લાખની રકમ મળી આવી છે.