Jamnagar News: ગઈકાલે જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલી એક દુર્ઘટનામાં પિતા અને તેમના બે પુત્રોના મોત થયા હતા. આજે સવારે ત્રણેયની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પતિ અને બાળકોના મૃતદેહને ભેટીને પત્નીનું હૈયાફાટ રુદન જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
રામેશ્વરનગરના પ્રજાપતિ પરિવારના 36 વર્ષીય પ્રિતેશ દિનેશભાઈ પ્રજાપતિ (રાવલ), તેમના 4 વર્ષીય પુત્ર અંશ અને 16 વર્ષીય પુત્ર સંજય સાથે નાઘેડી પાસેના લહેર તળાવમાં ગણેશ વિસર્જન માટે ગયા હતા. અચાનક પ્રિતેશભાઈ અને તેમના બંને પુત્રો ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પંચકોશી બી પોલીસ સ્ટેશન અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેયના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા.

આજે સવારે પિતા અને બે પુત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર રામેશ્વરનગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારજનો અને સગાંસંબંધીઓએ ભારે હૈયે ત્રણેયને વિદાય આપી હતી. પતિ અને બાળકોના મૃતદેહને ભેટીને પત્નીએ આક્રંદ કર્યું હતું, જેનાથી વાતાવરણ વધુ ગમગીન બની ગયું હતું. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.