Jamnagar Rain: છેલ્લા ત્રણેક દિવસથી જામનગરને ઘમરોળતા મેઘરાજાનું જોર મંદ પડ્યું હોય તેમ આજે દિવસ દરમિયાન માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડ્યા છે. જો કે હજુ પણ શહેર તેમજ જિલ્લાના નીચાણવાળા ભાગોમાં જળભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. જામનગર પંથકનો 50 ટકાથી વધુ વિસ્તાર જળમગ્ન બન્યો છે, ત્યારે અલગ-અલગ ઠેકાણે ડૂબી જવાથી કુલ 4 લોકો મોતને ભેટ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં ગત 27 ઓગસ્ટના રોજ જામનગરના સમર્પણ અન્ડર બ્રિજ નજીક પાણીમાં ગરકાવ થઈ ગયેલા પિતા-પુત્રના આજે અલગ-અલગ જગ્યાએથી મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય શહેરના સુભાષ બ્રિજ પાસે પાણીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
આ ઉપરાંત ધ્રોલના લલિતપરમાં પાણીના વોકળામાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતુ. જ્યારે જીણાવારી અને બેડી વિસ્તારમાં બે યુવકો પાણીમાં લાપત્તા થઈ ગયા છે. જેમની હાલ શોધખોળ ચાલી રહી છે.
મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિની સમીક્ષા કરી
જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે, ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.
22 ગામોનો સંપર્ક તૂટ્યો, 49 ગામો લાઈટ વિહોણા
ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે હવે થોડી રાહત મળ્યા બાદ શહેરના નાગેશ્વર-સિદ્ધનાથ રોડ અને હોરાના હજીર પાછળના બેઠા પૂલ રોડ જેવા રસ્તાઓ સાવ ઉખડી ગયા છે. આ સાથે જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તામાં પણ મોટા ખાડા પડી ગયા છે. રોડની બંને બાજુ કચરાના મોટા ઢગલા જામી ગયા છે.
જામનગર કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર જિલ્લામાં હજુ પણ 22 ગામો એવા છે કે જ્યાંથી માર્ગ વ્યવહાર સદંતર ખતમ થઈ ગયો છે. જ્યારે 49 ગામોમાં વીજળીના અભાવે તેમનો સંપર્ક તૂટી ગયો છે.
આજે આખા દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, જોડીયા તાલુકામાં 33 મિ.મી., જામનગરમાં 20 મિ.મી., ધ્રોલમાં 18 મિ.મી., જામજોધપુરમાં 16 મિ.મી., કાલાવડમાં 11 મિ.મી., લાલપુરમાં 8 મિ.મી. વરસાદ વરસ્યો છે.
