Cyclone Asna | Paresh Goswami Agahi : છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યા છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ કચ્છ અને વડોદરા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એવામાં આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તેમજ કચ્છમાં આગામી 24 કલાક સુધી તોફાની પવન સાથે વરસાદ વરસી શકે છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર ગુજરાત પર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતુ. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ ડીપ ડિપ્રેશન છેલ્લા 36 કલાકથી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતુ અને આગળ નહતું વધી શકતુ. જો કે આજે બપોરે 2 વાગ્યા બાદ આ ડીપ ડિપ્રેશનની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે અને તે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કચ્છના ખાવડાથી 35થી 40 કિલોમીટર પશ્ચિમમાં આ ડીપ ડિપ્રેશનનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતુ. જે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને આવતીકાલે 30 ઓગસ્ટના રોજ તે કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે.
જેના પગલે આગામી સમયમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે. હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જ પવનની ગતિ પણ જોવા મળશે.
આ સિસ્ટમ કચ્છના જખૌ નજીક દરિયામાં ઉતરીને આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે. જે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે. જો તે સાયક્લોન સ્ટ્રોમ બને તો પાકિસ્તાન તરફથી તેને 'અશના' નામ આપવામાં આવશે. આ વાવાઝોડું ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતું સાઈક્લોન હશે. જે માત્ર 6 થી 8 કલાકની અંદર જ વિખરાઈ જશે.
ગુજરાતને નહીવત ખતરો
આ સાઇક્લોન વાવાઝોડું બને તો પણ ગુજરાતને કોઈ ખતરો નથી. વહેલી સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં જખૌ દરિયાથી આગળ વધશે, તેમ તે ગુજરાતથી દૂર જતુ રહેશે. જેથી ગુજરાતને વધારે ખતરો નથી. ગુજરાતને માત્ર પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારા 24 કલાક સુધી વરસાદ જોવા મળશે.
જો કે અત્યાર સુધી જે વરસાદ થયો છે, તેની ગતિ હવે મંદ પડશે અને વરસાદની તીવ્રતા ઘટશે. જો કે પવનની ગતિ 40 થી 60 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે, જ્યારે ઝટકાના પવનો 70 થી 80 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.
છેલ્લા 48 કલાકનો રેકોર્ડ તૂટશે
આ સિસ્ટમ દરિયામાં જઈને જો સાયક્લોન બનશે તો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટશે. આજથી 48 વર્ષ અગાઉ એક વખત બંગાળ ખાડી ઉપર સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર આવી અને ગુજરાત પર થઈને અરબ સાગરમાં પ્રવેશીને તે સાઈક્લોન બન્યું હતુ. જે 1976ના ઓગસ્ટ મહિનામાં થયું હતુ. જે બાદ બંગાળની ખાડી ઉપરની કોઈ સિસ્ટમ ગુજરાત પર થઈને અરબ સાગરમાં જઈને સાઈક્લોન બની નથી.
આથી આ સિસ્ટમ જો આવતીકાલે સાયક્લોન બને તો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટશે. અગાઉ 1976માં ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં આવું બન્યું હતુ, જેનું પુનરાવર્તન થશે. આ સાઈક્લોન ગુજરાતને અસર કરવાનું નથી. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોમાં આગામી 24 કલાક વરસાદ પડશે. આથી આ ભાગના નાગરિકોએ હજુ પણ સતર્ક રહેવું પડશે.
