Jamnagar: રાજકોટ બેંક કર્મચારી અપહરણ અને ખંડણી કેસ, જામનગર પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા

આ ગુનામાં અન્ય એક અજાણ્યો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 28 Apr 2026 09:02 AM (IST)Updated: Tue, 28 Apr 2026 09:02 AM (IST)
jamnagar-police-arrest-accused-rajkot-bank-employee-kidnapping-extortion-case
HIGHLIGHTS
  • રાજકોટમાં બેંક કર્મચારી અપહરણ કેસ
  • જામનગરમાં 5 આરોપીની ધરપકડ થઈ

Rajkot bank employee kidnapping: તાજેતરમાં રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી તેમની પાસેથી બળજબરીથી નાણાં વસૂલવાના ગંભીર બનાવ બન્યો હતો. આ કેસમાં જામનગર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર ઘટના પાછળ રૂપિયા 27.20 લાખની લેવડદેવડનો વિવાદ જવાબદાર હતો, જેના કારણે આરોપીઓએ કાવતરું ઘડીને ફરિયાદીનું અપહરણ કર્યું હતું. આરોપીઓ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગરના એક બંગલામાં લઈ ગયા.

આ બંગલામાં બેંક કર્મચારી અને તેના પરિવારને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. વધુમાં, આ બંગલામાં આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને ધમકીઓ આપી, મારકૂટ કરી અને બળજબરીપૂર્વક આશરે 9.75 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે.

પાંચ આરોપીઓની ધરપકડ

આ ચકચારભર્યા કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડા નામના શખ્સો સામેલ છે. વધુમાં, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનામાં અન્ય એક અજાણ્યો શખ્સ પણ સંડોવાયેલો છે, જેની શોધખોળ ચાલી રહી છે.

જામનગર પોલીસની કાર્યવાહી

આ ગંભીર મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.