Jamnagar: જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓવરસ્પીડના કારણે અકસ્માતના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ધ્રોલમાંથી સામે આવ્યો છે. જેમાં પુરપાટ દોડતી CNG રિક્ષાએ બાઈકને ઉલાળી મૂકતા દંપતી ખંડિત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજકોટ સ્થિત ઘંટેશ્વરના સુનિલ ચૌહાણ (24) પોતાની પત્ની મનિષા અને બે દીકરીઓ સાથે જામનગરના આશાપુરા સર્કલ નજીક રહે છે અને ચાની દુકાનમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સુનિલ ચૌહાણ પોતાના શેઠ દિપક ગમારાનું બાઈક લઈને પત્ની અને નાની દીકરી સોનાક્ષીને લઈને જામનગરથી રાજકોટ આવવા નીકળ્યા હતા.
આ દરમિયાન મોડી રાતે સાડા 11 વાગ્યાની આસપાસ ધ્રોલ તાલુકાના દેપાળીયા ગામના પાટીયા નજીક CNG રિક્ષાના ચાલકે જોયા વિના ટર્ન મારીને સુનિલની બાઈકને ઠોકરે ચડાવી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી અને તેમની પુત્રી હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા.
આ દરમિયાન સુનિલ ચૌહાણ માંડમાંડ ઉભા થઈને જોયું તો તેમની પત્ની લોહીના ખાબોચિયામાં ઊંધી પડી હતી અને તેના માથામાંથી સતત લોહી વહેતું હતુ. આથી પત્નીને જોતા જ સુનિલ ચૌહાણ બેભાન બની ગયા હતા. જ્યારે ભાનમાં આવ્યા, ત્યારે તેઓ પડધરી સિવિલ હોસ્પિટલમાં હતા. જ્યાં સુનિલ ચૌહાણને પરિવારના સભ્યોએ જણાવ્યું કે, પત્ની કાજલને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
આ મામલે સુનિલ ચૌહાણની ફરિયાદના આધારે પડધરી પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
