Jamnagar: જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીને લઈને એક વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે, જેને પગલે શાકાહારી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેમાં દિગ્જામ સર્કલ નજીક આવેલી જાણીતી ‘સાઇટ્રસ હોટલ’માંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ‘ઝોમેટો’ (Zomato) મારફતે મંગાવવામાં આવેલા વેજ પાસ્તાની જગ્યાએ એક મહિલા ગ્રાહકને નોન-વેજ પાસ્તા ડિલિવર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને કારણે ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાતા તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.
'ઝોમેટો'ના ફૂડ ડિલિવરી બોયે આપેલું પાર્સલ ખોલતાં મહિલા ચોંકી ઉઠી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરની મહિલા ગ્રાહકો 'ઝોમેટો' એપ મારફતે 'સાઈટ્રસ હોટલ'માંથી શુદ્ધ શાકાહારી (VEG) પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જો કે હોટલ અને ડિલિવરી બૉયની બેદરકારીને કારણે ગ્રાહકના ઘરે જ્યારે પાર્સલ પહોંચ્યું, ત્યારે મહિલાએ બોક્સ ખોલ્યું તો તેમાં નોન વેજ હોવાનું માલૂમ પડ્યું હતુ. પવિત્ર ધાર્મિક આસ્થાઓ ધરાવતા પરિવારમાં નોન-વેજ ફૂડ આવી જતાં ગ્રાહક ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું.
ગ્રાહક દ્વારા જામનગર મહાનગરપાલિકામાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા જ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટર એન.પી. જાસોલીયાના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ તાત્કાલિક દિગ્જામ સર્કલ સ્થિત સાઇટ્રસ હોટલ ખાતે તપાસ અર્થે પહોંચી હતી. ફૂડ વિભાગની ટીમે હોટલના કિચન, ઓર્ડર લોગ અને બુકિંગ સિસ્ટમની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
ઓર્ડર પેક કરવા દરમિયાન સ્ટાફથી ચૂક થઈ હોવાનું હોટલ મેનેજમેન્ટે સ્વીકાર્યું
સરકારી તંત્રની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટ વધારે સમય બચી શક્યું નહતું. આખરે હોટલના સંચાલકો અને મેનેજરે સ્વીકાર્યું હતું કે, ઓર્ડર તૈયાર કરીને પેક કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના સ્ટાફથી મોટી ભૂલ થઈ ગઈ હતી.
હોટલ દ્વારા પોતાની બેદરકારી સ્વીકારવામાં આવ્યા બાદ, જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને સાઇટ્રસ હોટલને તાત્કાલિક રૂા. 10,000 (દસ હજાર) નો રોકડ દંડ ફટકાર્યો હતો. આ સાથે જ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા હોટલના માલિકોને એક કડક આખરી નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જો ફરી આવું થશે તો હોટલનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
આ ઘટના બાદ જામનગરમાં ઓનલાઈન ફૂડ મંગાવતા ગ્રાહકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ડિજિટલ યુગમાં લોકો હોટલની બ્રાન્ડ અને એપના ભરોસે ખાવાનું મંગાવતા હોય છે, ત્યારે આ કિસ્સાએ ફૂડ ડિલિવરી કંપનીઓની ગુણવત્તા, સેનિટેશન ચેક અને હોટલ સંચાલકોની નૈતિક જવાબદારી સામે અનેક મોટા સવાલો ખડા કરી દીધા છે.
