Amreli Lion Attack: રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનારા 4 માનવભક્ષી સિંહો આજીવન સક્કરબાગ ઝૂમાં કેદ, વન વિભાગનો નિર્ણય

અમરેલીના કોવાયામાં યુવકને ફાડી ખાનારા ચાર માનવભક્ષી સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રાખવાનો નિર્ણય લેવાયો છે. વન વિભાગે સિંહોના સેમ્પલમાં માનવ અવશેષો મળ્યા બાદ તેમને ક્યારેય ખુલ્લા જંગલમાં મુક્ત ન કરવાનો નિર્ણય કર્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 06:39 PM (IST)Updated: Sat, 27 Jun 2026 07:54 PM (IST)
amreli-lion-attack-man-eating-4-lions-jailed-for-life-at-sakkarbaug-zoo
HIGHLIGHTS

Amreli Lion Attack: થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક પરપ્રાંતીય યુવકને ફાડી ખાનારા ચાર સિંહોને હવે ક્યારેય ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં નહીં આવે. હકીકતમાં વન વિભાગ દ્વારા માનવભક્ષી ચારેય સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રાખવાનો નિર્ણય કર્યો છે.


સિંહોના ટોળાએ શિકાર કરીને ઉત્તરાખંડના યુવકને ફાડી ખાધો હતો

આજથી દસેક દિવસ પહેલા કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની પ્રકાશચંદ્ર નામનો યુવક રાતના સમયે હોટલમાંથી નીકળ્યો હતો. આ દરમિયાન અંધારામાં સિંહણે હુમલો કરીને તેને ઝાડીઓમાં ખેંચી ગઈ હતી. જ્યાં સિંહોના ટોળાએ તેને ફાડી ખાધો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા, જ્યાં માત્ર પરપ્રાંતિય યુવકની ખોપરી અને હાડકાના અવશેષો જ જોઈને ધ્રુજી ઉઠ્યા હતા.

બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતુ. રાજુલા રેન્જ વન વિભાગની ટીમે ઑપરેશન પાર પાડીને 4 સિંહોને પાંજરે પૂર્યા હતા. આ તમામ સિંહોના મળ તેમજ અન્ય જરૂરી સેમ્પલ લઈને તપાસ અર્થે સાસણ ગીર લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં સિંહોના સેમ્પલમાંથી મૃતક યુવકના શરીરના અવશેષો અને વાળ મળી આવ્યા હતા. આ રિપોર્ટના આધારે ચારેય સિંહો માનવભક્ષી બન્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

નિયમ અનુસાર, જે જંગલી પ્રાણી એકવાર માનવ લોહીનો સ્વાદ ચાખી ચૂકે, તેને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ ના છોડી શકાય, કારણ કે તે અન્ય લોકો માટે પણ ઘાતક બની શકે છે. આથી આ ચારેય સિંહો હવે આજીવન સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવશે.

જો ભવિષ્યમાં તેમના વર્તનમાં કોઈ સકારાત્મક સુધારો જણાય અને વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતો લીલી ઝંડી આપે, તો જ તેને બંધિયાર નેશનલ પાર્કમાં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે. હાલ તો તમામ સિંહોને સામાન્ય જંગલ કે રેવન્યુ વિસ્તારમાં ક્યારેય મુક્ત નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આટલું જ નહીં, વન વિભાગે આ સમગ્ર પ્રકરણને અત્યંત ગંભીરતાથી લીધુ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને, તે માટે સ્થાનિક સ્તરે નાઈટ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.