Human-Lion Conflict Research: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને માનવ વચ્ચે વધી રહેલા સંઘર્ષે ભારે ચિંતા જગાડી દીધી છે. તાજેતરમાં સિંહના આઠેક જેટલા અલગ અલગ હુમલાઓમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. જોકે, આ હુમલાઓ પાછળ સિંહની કુદરતી આક્રમકતા જ નહીં, પરંતુ માનવીય હેરાનગતિ અને બદલાતી મનોવૃત્તિ મુખ્ય કારણ હોવાનું રાજકોટની આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંશોધનમાં સામે આવ્યું છે.
સિંહ માણસો પર કેમ હુમલો કરે છે?
આ પણ વાંચો
રાજકોટની આત્મીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના 50 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમે અમરેલીના 15 ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી, રિસર્ચ અનુસાર, લોકો સિંહનો વીડિયો કે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવા માટે વાહન લઈને સિંહનો પીછો કરે છે અને તેની ખૂબ જ નજીક પહોંચી જાય છે.
રાત્રિના સમયે સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકવો કે સિંહને ઘેરવાની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. સિંહ જ્યારે શિકાર, આરામ કે મેટિંગ જેવી સંવેદનશીલ સ્થિતિમાં હોય ત્યારે માનવીય દખલગીરી અસુરક્ષા પેદા કરે છે.
નિષ્ણાંતોનું શું કહેવું છે?
મનોવિજ્ઞાન ભવનના પ્રો. શિવભદ્રસિંહના જણાવ્યા મુજબ, સિંહની રોજિંદી પ્રવૃત્તિઓમાં માનવીય દખલ વધવાથી હુમલાની શક્યતા વધી જાય છે. જ્યારે પણ સિંહ પોતાની સુરક્ષા સામે ખતરો અનુભવે છે. ત્યારે તે સ્વબચાવમાં આક્રમક બની જાય છે.
મનોવિજ્ઞાન નિષ્ણાત ડો. અનંતરાય વસાણીના જણાવ્યા પ્રમાણે, સિંહ અને માનવ બંનેની માનસિકતા બદલાઈ રહી છે. એક તરફ સિંહમાંથી માણસનો ડર ઓછો થઈ રહ્યો છે. તો બીજી તરફ લોકોમાં મોબાઈલ કેમેરા લઈને સિંહની નજીક જઈ સાહસ બતાવવાની ખોટી હોડ જામી છે.
