અમરેલીમાં સ્ટેટ હાઈવે પર 5-6 સિંહોની મિજબાની: ચક્કાજામ સર્જાતા વાહનોના પૈડાં થંભ્યા, વીડિયો વાયરલ

અમરેલીમાં સ્ટેટ હાઈવે પર 5 થી 6 સિંહોએ શિકાર કરી મિજબાની માણતા વાહનવ્યવહાર થંભી ગયો. સિંહોના અડિંગાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 02:15 PM (IST)Updated: Sun, 06 Sep 2026 02:15 PM (IST)
amarali-state-highway-6-lions-feast-traffic-jam-video-viral

Amreli News: અમરેલી જિલ્લામાં ગીરના સાવજો અવારનવાર રહેણાંક અને માર્ગો પર આવી ચડતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગત રાત્રે સ્ટેટ હાઈવે પર આવો જ એક રોમાંચક અને દિલધડક નજારો જોવા મળ્યો હતો, જ્યાં 5 થી 6 સિંહોના ટોળાએ હાઈવેની વચ્ચોવચ શિકાર કરી મિજબાની માણી હતી. ડાલામથ્થાઓના અડિંગાને કારણે સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

સિંહોએ રસ્તો રોકીને મિજબાની માણી

માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અચાનક સિંહોના ટોળાને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક વાહનચાલકોએ હોર્ન વગાડીને તેમજ લાઈટો ચાલુ-બંધ કરીને સિંહોને રસ્તા પરથી ખસેડવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો, પરંતુ વનરાજો પોતાની મિજબાનીમાં મસ્ત રહીને ડગ્યા સુદ્ધાં નહોતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકો વાહનોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.

વાહનચાલકોએ વીડિયો કેમેરામાં કેદ કર્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ શિકારને હાઈવેની સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત કરાવ્યો હતો. હાઈવે પર મિજબાની માણતા આ સાવજોનો અદભુત વીડિયો વાહનચાલકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વનરાજોના આ રાજવી અંદાજને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.